બ્રિટનના રાજકીય સ્પેક્ટ્રમમાં ચરમસીમા પરના ફાર રાઇટ પક્ષો રિફોર્મ યુકે અને ગ્રીન પાર્ટીને સમર્થન અપતા બ્રિટિશ ભારતીયોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે એમ 1928 ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરાયેલા અને હાઉસ ઓફ કોમન્સ કમિટી રૂમમાં રજૂ કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યુ છે.

બ્રિટિશ ભારતીયોમાં રિફોર્મ યુકે માટેનું સમર્થન છેલ્લા વર્ષમાં ત્રણ ગણું વધીને ૧૩ ટકા થયું છે. જે હવે ગ્રીન પાર્ટી માટેના સમર્થન સાથે મેળ ખાય છે.

જ્યારે શાસક લેબર પાર્ટી બ્રિટિશ ભારતીયોમાં 35 ટકા સમર્થન સાથે સૌથી વધુ લોકપ્રિય રહી છે, જે તેની રાષ્ટ્રીય સરેરાશ 22 ટકા કરતા વધારે છે. 2019થી કન્ઝર્વેટિવ પાર્ટીને અપાતા સમર્થનમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે લિબરલ ડેમોક્રેટનું સમર્થન લગભગ 9 ટકા પર સ્થિર રહ્યું છે.

1928 ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક કિરણ કૌર માનકુએ જણાવ્યું હતું કે વૃદ્ધ, સ્થાયી અને મધ્યમ વર્ગના બ્રિટિશ ભારતીયો રિફોર્મ યુકે તરફ આકર્ષાઈ રહ્યા છે, જ્યારે યુવાન મતદારો ગ્રીન્સ તરફ ઝુકાવ કરી રહ્યા છે.

2355 બ્રિટિશ ભારતીયોના સર્વેક્ષણમાં ગુનાખોરી, હેલ્થકેર, શિક્ષણ અને જીવનનિર્વાહના ખર્ચને મુખ્ય ચિંતાઓ ગણાવવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં 60 ટકા લોકોએ પૂર્વગ્રહનો અનુભવ કર્યો હતો. લોકોએ ભારત-યુકે મુક્ત વેપાર કરાર માટે વ્યાપક સમર્થન સાથે ગાઢ ભારત-યુકે સંબંધો, ખાસ કરીને વેપાર અને રોકાણને મજબૂત સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY