
અમેરિકાના ન્યાય વિભાગે શુક્રવારે જાહેર કરેલા જેફરી એપસ્ટેઇન સેક્સકાંડની તપાસના સંબંધિત હજારો દસ્તાવેજો અને ફોટોગ્રાફમાં મોટાભાગે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટલને ટાર્ગેટ કરાયા હતા અને હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ગણ્યાગાંઠ્યા ફોટાગ્રાફ જાહેર કરાયા હતાં. મોટાભાગની ફાઇલો અને ફોટા સંપાદિત કરાયા હતાં. આ ફાઇલોમાં ક્લિન્ટન ઉપરાંત સ્વર્ગસ્થ પોપ ગાયક માઈકલ જેક્સન, હોલિવૂડ અભિનેતા ક્રિસ ટકર, બ્રિટનના ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ, રિચાર્ડ બ્રેન્સન, બ્રિટિશ સમાજસેવક ઘિસ્લેન મેક્સવેલ સહિત રાજકારણ, હોલિવૂડ, ધનિકોના નામ બહાર આવ્યાં હતાં. ક્લિન્ટનના યુવતીઓ સાથે સ્વિમિંગ પૂલમાં નહાતાં અને પાર્ટી કરતાં તથા હોટ ટબમાં એક મહિલા સાથેના તેમના ફોટાગ્રાફની સૌથી વધુ ચર્ચા થઈ હતી.
ન્યાય વિભાગે સમગ્ર દસ્તાવેજો જારી કર્યા ન હતાં. તેનાથી ધનિક ફાઇનાન્સર અને સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઇનના ધનિકો અને શક્તિશાળી વ્યક્તિઓ સાથેના સંબંધોનો સંપૂર્ણ ખુલાસો થયો ન હતો. વધુમાં આ ફાઇલોમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમુક જ ફોટો જારી કરાયા છે. વ્હાઇટ હાઉસે એપસ્ટેઇન સાથેના સંબંધો વિશેના નવા ખુલાસાઓથી ટ્રમ્પને બચાવી લીધા હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઘણા મહિનાઓથી આ ફાઇલો જારી થતી રોકવાના નિરર્થક પ્રયાસ કર્યા હતાં, પરંતુ વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી અને પોતાની પાર્ટીના કેટલાંક સભ્યોના ભારે દબાણને કારણે આ ફાઇલ જારી કરવી પડી છે.
ન્યાય વિભાગે તબક્કાવાર ધોરણે વિવિધ સેટમાં આશરે 4,000 ફાઇલો જારી કરી હતી. મોટાભાગના ફોટોગ્રાફ્સ FBI દ્વારા ન્યૂ યોર્ક સિટી અને યુએસ વર્જિન આઇલેન્ડ્સમાં એપસ્ટેઇનના ઘરોની શોધ દરમિયાન લેવામાં આવ્યા હતા. એપસ્ટેઇન સંબંધિત વિવિધ તપાસ સામગ્રી ધરાવતા પરબિડીયાઓ, ફોલ્ડર્સ અને બોક્સની છબીઓ પણ જારી કરાઈ હતી. ઘણા રેકોર્ડ્સ સંપાદિત કરાયા હતાં અને પીડિત યુવતીઓની ઓળખ જાહેર કરાઈ ન હતી.
બિલ ક્લિન્ટનના દાયકાઓ પહેલા એપસ્ટેઇન સાથે પ્રવાસના ક્યારેય ન જોયેલા સંખ્યાબંધ ફોટાઓ જાહેર કરાયા હતાં. ક્લિન્ટનનો હોટ ટબમાં એક મહિલા સાથેના ફોટોનો વ્હાઇટ હાઉસના અધિકારીઓ જોરજોરથી પ્રચાર પણ કર્યો હતો. આ ફોટામાં મહિલાનો ચહેરો ઢાંકી દેવામાં આવેલ છે. કેટલાંક ફોટામાં ક્લિન્ટનને ખાનગી વિમાનમાં બેઠેલા દર્શાવવામાં આવ્યાં હતાં. બીજા એક ફોટોમાં ક્લિન્ટલના ખોળામાં એક મહિલા બેઠેલી દેખાય છે. તેઓ એપસ્ટેઇનના લાંબા સમયના વિશ્વાસુ બ્રિટિશ સમાજસેવી ઘિસ્લેન મેક્સવેલ અને એક વ્યક્તિ સાથે પૂલમાં જોવા મળે છે. આ વ્યક્તિનો ચહેરો ઢાંકવામાં આવેલો હતો. આ ફોટા ક્યારે લેવામાં આવ્યા હતાં તેની કે બીજા કોઇ સંદર્ભનો ખુલાસો કરાયો ન હતો.
એક ફોટાગ્રાફમાં પ્રિન્સ એન્ડ્રુ પાંચ યુવતીઓના ખોળામાં સૂતેલા દેખાય છે અને તેમની પાછળ મેક્સવેલ છે.
જેફરી એપસ્ટેઇનના અનેક યુવતીઓ અને સગીરાઓના જાતીય શોષણના કર્યું હોવાનો આક્ષેપ છે અને તેમાં ઘણા રાજકીય નેતાઓ સહિતના વગદારો પણ સામેલ હતાં.
ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રમ્પને તપાસથી બચાવવા પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ પણ આ ટ્રમ્પને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને સંપૂર્ણ ફાઇલ જારી કરવાની માગણી કરી હતી. જોકે વ્હાઇટ હાઉસે દાવો કર્યો હતો કે આ આ ફાઇલો જારી કરવાનો નિર્ણય પીડિતો માટે ન્યાય પ્રત્યેની તેની પારદર્શિતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અગાઉની ડેમોક્રેટિક વહીવટીતંત્રોએ આવું ન કરવા બદલ ટીકા કરી હતી.
ડિટોક્સિફિકેશન ભારતના આયુર્વેદના સંદર્ભોનો ઉલ્લેખ
એપસ્ટેઇન ફાઇલોમાં ડિટોક્સિફિકેશન માટે મસાજ ટેકનિક અને ભારતના આયુર્વેદના સંદર્ભો પણ છે. ફાઇલમાં જણાવાયું હતું કે પશ્ચિમના ઘણા પ્રેક્ટિશનરો હવે ભારતની આ 5,000 વર્ષ જૂની કુદરતી ઉપચાર પદ્ધતિના આધારે મસાજ અને અન્ય સારવારો આપી રહ્યા છે.તેમાં ‘ધ આર્ટ ઓફ ગિવિંગ મસાજ’ શીર્ષકવાળા લેખો પણ છે, જેમાં ડિટોક્સિફિકેશન માટે તલના તેલના ઉપયોગનો ઉલ્લેખ છે.













