27 ડિસેમ્બર, 2025 ના રોજ, યુ.એસ.ના ન્યુ જર્સીના નોરવુડમાં એક માણસ બરફ દૂર કરી રહ્યો છે. REUTERS/Kena Betancur

ઉત્તરપૂર્વ અમેરિકામાં ક્રિસમસ હોલિડે દરમિયાન લોકો મોટાપાયે મુસાફરી કરી રહ્યાં છે ત્યારે ભીષણ બરફવર્ષાથી જનજીવન ખોરવાયું હતું. ભારે બરફવર્ષને કારણે 1,800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને 22,000થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થતાં લાખ્ખો મુસાફરો ફસાયા હતાં. ન્યૂયોર્ક અને ન્યૂજર્સી સહિતના અનેક રાજ્યોએ વેધર ઇમર્જન્સી જાહેર કરીને લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. વિન્ટર સ્ટોર્મ ડેવિન નામના બરફના તોફાનથી વિમાન મુસાફરી ઉપરાંત હાઇવે પરની મુસાફરી પણ ખતરનાક બની હતી.

અમેરિકાના ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. ન્યૂયોર્કમાં લગભગ ચાર વર્ષમાં સૌથી ભારે હિમવર્ષા થઈ હતી. શનિવારની વહેલી સવારે સુધી મધ્ય ન્યુ યોર્કના સિરાક્યુઝથી રાજ્યના દક્ષિણ-પૂર્વમાં લોંગ આઇલેન્ડ સુધી લગભગ 6-10 ઇંચ બરફ પડ્યો હતો.પડોશી રાજ્ય ન્યુજર્સીમાં ભારે હિમવર્ષા નોંધાઈ હતી. કનેક્ટિકટના ફેરફિલ્ડ કાઉન્ટીમાં 9.1 ઇંચ બરફ પડ્યો હતો.

યુએસ નેશનલ વેધર સર્વિસ (NWS)એ જણાવ્યું હતું કે ન્યુ યોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં 4.3 ઇંચ (11 સેમી) બરફ પડ્યો હતો, જે જાન્યુઆરી 2022 પછીનો સૌથી વધુ છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં 7.5 ઇંચ સુધી બરફ પડ્યો હતો.

નેશનલ વેધર્સ સર્વિસે દેશના મોટાભાગના વિસ્તારોમાં બરફના તોફાની વોર્નિંગ અને એડવાઇઝરી જારી કરી હતી. આ વિસ્તારોમાં કેલિફોર્નિયા, નેવાડા, ઇડાહો, વ્યોમિંગ, કોલોરાડો, મધ્યપશ્ચિમના વિસ્તારો અને પૂર્વના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ન્યૂજર્સી અને પેન્સિલવેનિયાએ અનેક હાઇવે પર કોમર્શિયલ વ્હિકલ્સે પર નિયંત્રણો લાદ્યા હતાં અને ચેતવણી આપી હતી કે રસ્તાઓની ખતરનાક સ્થિતિને કારણે રજાઓની મુસાફરીને ગંભીર થઈ શકે છે. ઉત્તરપૂર્વના રાજ્યોના અધિકારીઓએ ડ્રાઇવરોને બિન-આવશ્યક મુસાફરીમાં વિલંબ કરવા માટે વારંવાર અનુરોધ રહ્યો હતો.

ન્યૂયોર્કમાં સેવા આપતા મુખ્ય એરપોર્ટ જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લાગાર્ડિયા એરપોર્ટ તથા ડેટ્રોઇટ મેટ્રોપોલિટન વેન કાઉન્ટી એરપોર્ટેના સત્તાવાળાએ બરફવર્ષા વધુ તીવ્ર બની હોવાથી હવાઇ મુસાફરી ખોરવાઈ જવાની મુસાફરોને વોર્નિંગ આપી હતી.

જેટબ્લૂ એરવેઝે સૌથી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. આ ઉપરાંત ડેલ્ટા એર લાઇન્સ, રિપબ્લિક એરવેઝ, અમેરિકન એરલાઇન્સ અને યુનાઇટેડ એરલાઇન્સે પણ સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરી હતી. ફ્લાઇટઅવેરના ડેટા મુજબ શુક્રવારની રાત સુધીમાં દેશભરમાં 1,600થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને આશરે 7,400 ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી. હવામાનની સ્થિતિ વધુ વણસી હોવાથી એરપોર્ટ્સે મુસાફરોને ટર્મિનલ પર જતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ તપાસવાનો અનુરોધ કર્યો હતો.

નેશનલ વેધર સર્વિસે શનિવાર સવાર સુધી ગ્રેટ લેક્સ, ઉત્તરીય મધ્ય-એટલાન્ટિક અને દક્ષિણ ન્યૂ ઇંગ્લેન્ડમાં વિન્ટર સ્ટોર્મ ‘ડેવિન’ની ચેતવણી જારી કરી હતી. તેનાથી ભારે પવન સાથે બરફવર્ષાને કારણે હવાઇ અને હાઇ-વે મુસાફરી ખતરનાક બની શકે છે.

કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના જણાવ્યા અનુસાર નાતાલ અને નાતાલની પૂર્વસંધ્યાએ સિએરા નેવાડામાં ઇન્ટરસ્ટેટ 80 હાઇવે પરના વાહનવ્યહાર ખોરવાયો હતો. હાઇવે પર અનેક વાહનો અથડાયા હતા અને અને ડઝનબંધ વાહનચાલકો ફસાયા હતાં.

 

LEAVE A REPLY