ભારતીય અરજદારોના મોટી સંખ્યામાં પૂર્વ-નિર્ધારિત H1B વિઝા ઇન્ટરવ્યૂ રદ થવાના મુદ્દે સરકારે અમેરિકા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી અને બંને દેશો આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સતત સંપર્કમાં છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.
અરજદારોના સોશિયલ મીડિયાની તપાસ કરવાના અમેરિકાના નવા નિયમને કારણે આ મહિનામાં નિર્ધારિત હજારો H-1B વિઝા અરજદારોના ઇન્ટરવ્યૂ અચાનક રદ કરાયાં હતાં અને ઘણા મહિનાઓ પછીની નવી તારીખો આપવામાં આવી હતી. ગયા સપ્તાહે, જેમની વિઝા એપોઇન્ટમેન્ટ નિર્ધારિત હતી, તેવા ઘણા અરજદારોને યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી ઈ-મેઇલ મળ્યાં હતાં, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના ઇન્ટરવ્યૂ આવતા વર્ષના મે મહિના સુધી મુલતવી રાખવામાં આવી રહ્યાં છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારત સરકારને આ મુદ્દે ભારતીય નાગરિકો તરફથી અનેક રજૂઆતો મળી હતી. ઘણા અરજદારોને ફરીથી વિઝા એપોઇન્ટમેન્ટ લેવામાં મુશ્કેલી પડી રહી છે. વિઝા સંબંધિત મુદ્દાઓ કોઈપણ દેશના પોતાનો વિશેષાધિકાર છે, પરંતુ અમે આ મુદ્દાઓ અને અમારી ચિંતાઓ નવી દિલ્હી અને વોશિંગ્ટન ડીસી બંને જગ્યાએ યુએસ પક્ષ સમક્ષ રજૂ કરી છે. ભારત સરકાર આપણા નાગરિકોને થતી મુશ્કેલીઓને ઓછી કરવા માટે યુએસ પક્ષ સાથે સતત સંપર્કમાં છે.
અરજદારોની વધુ ચકાસણીના નવા નિયમને કારણે H-1B વિઝા અરજદારોના સુનિશ્ચિત ઇન્ટરવ્યુ મોટા પાયે રદ થયા છે, તેનાથી ઘણા લોકો માટે યુએસમાં પરત જવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. આવા ઘણા અરજદારો ભારતમાં જ ફસાઈ ગયા છે. 15 ડિસેમ્બર પછીથી જેમને ઇન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટ મળી હતી તેવા તમામ અરજદારોના ઇન્ટરવ્યૂ છેક મે મહિના સુધી મોકૂફ રહ્યાં છે.













