
પાંચ ટેસ્ટ મેચની એશિઝ સિરિઝમાં 3-0થી પરાજ્ય પછી ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આશરે 14 વર્ષ પછી ઇંગ્લેન્ડનો ટેસ્ટમાં આ પ્રથમ વિજય હતો. ઇંગ્લેન્ડ જાન્યુઆરી 2011થી ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી હતી.
બોલરોના દબદબા સાથેની મેલબોર્નમાં રમાયેલી આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 45.2 ઓવરમાં માત્ર 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તેમના માટે માઈકલ નેસરે સૌથી વધુ 35 રન બનાવ્યા હતાં, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાના 152 રનના જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ પણ 110 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 42 રનની મહત્વની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 41 અને ગસ એટકિન્સને 28 રન બનાવ્યાં હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે 4 અને સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી હતી.
42 રનની લીડ સાથે બીજી ઈનિંગ્સમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર લથડી અને 34.3 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે સૌથી વધુ 46 રન બનાવ્યાં હતાં. ઈંગ્લેન્ડ તરફથી બ્રાઈડન કાર્સએ 4 અને કેપ્ટન સ્ટોક્સે 3 વિકેટ ઝડપી હતી.
ટેસ્ટમાં જીત માટે 175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યું હતું. જેકબ બેથેલે 40, જેક ક્રાઉલીએ 37 અને બેન ડકેટે 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.












