(ANI Photo)

બીસીસીઆઈએ ઘરેલુ ક્રિકેટમાં મહિલા ક્રિકેટરો અને અધિકારીઓની મેચ ફી બમણી કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. બોર્ડની એપેક્સ કાઉન્સિલે વધારાને મંજૂરી આપી હતી. સુધારેલા માળખા મુજબ ઘરેલુ ટુર્નામેન્ટમાં વરિષ્ઠ મહિલા ક્રિકેટરો હવે દરરોજ 50,000થી 60,000 રૂપિયાની વચ્ચે કમાણી કરશે, જે હાલના મેચ દિવસ દીઠ 20,000 રૂપિયા (રિઝર્વ માટે રૂ. 10,000)થી નોંધપાત્ર વધારો દર્શાવે છે.

સિનિયર મહિલા ડોમેસ્ટિક વન-ડે ટુર્નામેન્ટ અને મલ્ટી-ડે સ્પર્ધાઓ માટે પ્રથમ XIમાં સામેલ થયેલા ખેલાડીઓને દરરોજ 50,000 રૂપિયા મળશે, જ્યારે રિઝર્વમાં રહેલા ખેલાડીઓને દરરોજ 25,000 રૂપિયાના દરે અડધી રકમ ચૂકવાશે.રાષ્ટ્રીય T20 ટુર્નામેન્ટમાં પ્રથમ XIમાં સામેલ ખેલાડીઓને પ્રતિ મેચ દિવસ રૂ.25,000 મળશે, જ્યારે રિઝર્વ ખેલાડીઓને રૂ.12,500 મળશે.

બીસીસીઆઈના અધિકારીઓના મતે જો કોઈ ટોચની સ્થાનિક મહિલા ક્રિકેટર હવે સંપૂર્ણ સીઝન દરમિયાન તમામ ફોર્મેટમાં રમશે, તો તે ૧૨ લાખથી ૧૪ લાખ રૂપિયાની વચ્ચે કમાણી કરી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં વનડે વર્લ્ડકપ 2025નો ખિતાબ જીત્યો હતો. આ જીતનો જશ્ન દરેક ભારતીયોયે મનાવ્યો હતો. હવે BCCIએ દેશભરની મહિલા ક્રિકેટરોને ક્રિસમસ પહેલા મોટી ગિફ્ટ આપી હતી.

મિથુન મન્હાસ BCCIના અધ્યક્ષ બન્યા બાદ પણ બોર્ડનું ફોકસ મહિલા ક્રિકેટના વિકાસ પર બની રહ્યું છે. તાજેતરના પગારમાં સુધારો દેશમાં મહિલા ક્રિકેટરો માટે એક મજબૂત અને ટકાઉ પારિસ્થિતિક તંત્ર બનાવવા માટે બોર્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

LEAVE A REPLY