વિશ્વભરના લોકો 2026ના નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યાં છે. જોકે પેરિસ, સિડની, બાલી, હોંગકોંગ, ટોકિયો સહિતના અનેક શહેરોમાં જાહેર સુરક્ષા સહિતના વિવિધ કારણોસર નવા વર્ષની ઉજવણીઓ અથવા તેના ખાસ કાર્યક્રમો રદ કર્યાં છે.
કેટલાંક શહેરોમાં મોટી ભીડના સંભવિત જોખમો અને નાગરિકોની સલામતીની ચિંતાને કારણે ઉજવણીના અમુક કાર્યક્રમો રદ કરાયા છે, જ્યારે કેટલાંક શહેરોમાં તાજેતરની કેટલીક ઘટનાઓથી પ્રભાવિત થયેલા લોકોના સન્માનમાં કાર્યક્રમોમાં ફેરફાર કરાયા છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યા સામાન્ય રીતે આતશબાજી કરાતી હોય છે અને સમગ્ર રાત્રી દરમિયાન પાર્ટીનો માહોલ હોય છે. તેનાથી ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું હોય છે.
અમેરિકામાં એફબીઆઈએ તાજેતરમાં લોસ એન્જલસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બોમ્બ વિસ્ફોટના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. એજન્સીએ આ કાવતરાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. બીજી તરફ તુર્કીમાં અધિકારીઓએ દેશમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદી હુમલાઓના આરોપાં 115 લોકોની ધરપકડ કરી હતી.
કુદરતી આપત્તિ પ્રભાવિત લોકોના સન્માનમાં બાલીમાં ડેનપાસર શહેર સત્તાવાળાએ આતશબાજીના કાર્યક્રમ અને કોન્સર્ટ રદ કર્યા છે, જોકે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.
હોંગકોંગ સરકારે આ વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેના પરંપરાગત આતશબાજી રદ કરી છે અને તેના બદલે એક વૈકલ્પિક કાઉન્ટડાઉન ઇવેન્ટ યોજાશે. સરકાર માને છે કે તેનાથી સકારાત્મક ઉર્જા, સંભાળ અને શાંતિના આશીર્વાદ મળશે. હોંગકોંગની બહુમાળી ઇમારતમાં ભીષણ આગમાં 160 લોકોના મોતને કારણે સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
સુરક્ષાની ચિંતાને કારણે પેરિસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે આયોજિત કોન્સર્ટ રદ કરાયો છે. ચેમ્પ્સ-એલિસીસ કોન્સર્ટમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોય છે. તેના કારણે નાસભાગ અને અશાંતિનું જોખમ ઊભું થતું હોય છે.
બોન્ડી બીચ પર થયેલા યહૂદીઓ પરના આતંકવાદી હુમલાને કારણે સિડનીમાં આતશબાજીનો કાર્યક્રમ રદ કરાયો છે. બોન્ડ બીચ પર યોજાતા આ કાર્યક્રમમાં 15,000થી વધુ લોકો એકઠા થાય તેવી ધારણા હતી. ટોક્યોમાં શિબુયા સ્ટેશનની સામે આયોજિત નવા વર્ષની પૂર્વ સંધ્યાનો કાઉન્ટડાઉન કાર્યક્રમ રદ કરાયો છે.













