નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકાર મંગળવાર, 23 ડિસેમ્બરે નેશનલ એરલાઇન્સના વેચાણની પ્રક્રિયા આખરે સફળતાપૂર્વક પાર પાડી હતી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનો 75 ટકા હિસ્સો ખરીદવા માટે સ્થાનિક ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ આરિફ હબીબના કોન્સોર્ટિયમે આશરે 135 અબજ પાકિસ્તાની રૂપિયા ($482.32 મિલિયન)ની સૌથી ઊંચી બિડ કરી હતી.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના ખાનગીકરણની પ્રક્રિયા ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. આ પ્રક્રિયાનું ટીવી પર પ્રસારણ પણ કરાયું હતું. લકી સિમેન્ટ, ખાનગી એરલાઇન એરબ્લ્યુ અને ઇન્વેસમેન્ટ કંપની આરિફ હબીબ સહિત ત્રણે બિડરોએ આ પ્રક્રિયામાં ભાગ લઇને સીલબંધ બિડ એક પારદર્શક બોક્સમાં જમા કરાવ્યાં હતાં. સમારંભના બીજા તબક્કામાં બિડ ખોલવામાં આવ્યાં હતાં, જ્યાં આરીફ હબીબ કોન્સોર્ટિયમ સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું હતું. આ ગ્રુપે રૂ.115 અબજની ઓફર કરી હતી, ત્યારબાદ લકી સિમેન્ટ રૂ. 105.5 અબજ અને એરબ્લુ રૂ. 26.5 અબજની બિડ કરી હતી.
આ પછી સરકારે જાહેરાત કરી કે રેફરન્સ પ્રાઇસ ૧૦૦ અબજ રૂપિયા છે. નિયમો હેઠળ બે સૌથી વધુ બોલી લગાવનારાઓને શરૂઆતની હરાજી પ્રક્રિયામાં ભાગ લેવાની તક અપાઈ હતી.
આરીફ હબીબ અને લકી સિમેન્ટ બંને વચ્ચે એરલાઇન ખરીદ માટે બિડિંગ વોર ચાલુ થયું હતુ અને પોતા પોતાની ઓફરમાં વધારો કર્યો હતો. આખરે આરીફ હબીબ ગ્રુપે ૧૩૫ અબજ રૂપિયાની વિજેતા ઓફર કરી હતી.
PIAના વેચાણનો સરકારનો આ બીજો પ્રયાસ હતો. પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી $7 બિલિયનનું મહત્વપૂર્ણ બેલઆઉટ પેકેજ મેળવ્યા પછી આઇએમએફની શરતો મુજબ સરકારે મોટાપાયે આર્થિક સુધારા કરવાના છે અને એરલાઇનનું વેચાણ આ પ્રક્રિયાનો એક ભાગ છે. ગયા વર્ષે PIA માટે રોકાણકારોને આકર્ષવાનો અગાઉનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
આરીફ હબીબ લિમિટેડના સીઈઓ શાહિદ હબીબે હરાજી પછી જણાવ્યું હતું કે “આ પાકિસ્તાન માટે વિજય છે. અમારું કન્સોર્ટિયમ સખત મહેનત કરશે અને તેને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સમાંની એક બનાવવા માટે પુનર્જીવિત કરશે.”













