પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના મોરબી જિલ્લાના એક 23 વર્ષીય યુવક રશિયા વતી લડવાના આરોપસર યુક્રેનની જેલમાં ફસાયો છે અને તેને ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. પોતાના પરિવારને મોકલેલા વીડિયો સંદેશાઓમાં તેને અભ્યાસ અથવા કામ માટે રશિયા જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને છેતરપિંડીથી સાવધ રહેવા ચેતવણી પણ આપી હતી.

મોરબીનો રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન માજોથી નામનો આ વ્યક્તિ આ ઓક્ટોબરમાં યુક્રેનિયન દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના દળોએ આ અંગેનો એક વીડિયો પણ જારી કર્યો હતો.
માજોથી ITMO યુનિવર્સિટીમાં રશિયન ભાષા અને સંસ્કૃતિનો અભ્યાસક્રમ કરવા માટે વિદ્યાર્થી વિઝા પર 10 જાન્યુઆરી, 2024ના રોજ સેન્ટ પીટર્સબર્ગ ગયો હતો. બાદમાં તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો અને રશિયામાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેને રશિયન સૈન્યમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હોવાનો આરોપ છે.

રવિવારે રાત્રે પરિવારને મળેલા અને યુક્રેનિયન અધિકારીઓ દ્વારા શેર કરાયેલા બે વિડિયો સંદેશાઓમાં માજોથીએ તેમની પરિસ્થિતિને ભયાવહ ગણાવી હતી. એક વીડિયોમાં તેને જણાવ્યું હતું કે અત્યારે હું યુક્રેનમાં યુદ્ધ ગુનેગાર તરીકે ફસાયો છું. હું નિરાશ છું અને ભવિષ્યમાં શું થશે તે ખબર નથી. ઉચ્ચ અભ્યાસ કે કામ માટે રશિયા આવતા લોકોએ ખૂબ કાળજી રાખવી જોઈએ. અહીં ઘણા કૌભાંડીઓ છે. તમે ગુનાહિત, માદક દ્રવ્યોના વ્યસન અથવા ગેરકાયદેસર કેસમાં ફસાઈ શકો છો. શક્ય હોય ત્યાં સુધી, આ બધાથી દૂર રહો.

LEAVE A REPLY