
યુકેના હિન્દુ જૂથોએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર વધતા જતા અત્યાચાર સામે આંતરરાષ્ટ્રીય પગલાં લેવાની માંગ સાથે શનિવારે તા. 27ના રોજ લંડનમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
“જસ્ટિસ ફોર હિન્દુઝ”ના બેનર હેઠળ બાંગ્લાદેશી હિન્દુઓ અને બ્રિટિશ હિન્દુઓ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, પરિવારો, વૃદ્ધ કાર્યકરો અને આંતરધાર્મિક નેતાઓ સહિત સમુદાયના વિવિધ લોકો હાજર રહ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો હેતુ બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના ભેદભાવ, હિંસા, હત્યાઓ અને વસ્તી વિષયક ઘટાડા અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને ઉજાગર કરવાનો હતો. તાજેતરના અઠવાડિયામાં નોંધાયેલી શ્રેણીબદ્ધ હિંસક ઘટનાઓ બાદ આ પ્રદર્શન થયું હતું, જેમાં 29 વર્ષીય કાપડ કામદાર દીપુ ચંદ્ર દાસની લિંચિંગ – હત્યાનો સમાવેશ થાય છે, જેને ઈશનિંદાના અપ્રમાણિત આરોપો બાદ ટોળા દ્વારા કથિત રીતે સળગાવી દેવાયો હતો.
થોડા દિવસો પછી, રાજબારી જિલ્લામાં અન્ય એક હિન્દુ વ્યક્તિ, અમૃત મંડલની માર મારીને હત્યા કરવામાં આવી હતી, જેનાથી સમુદાયમાં ભય વધુ તીવ્ર બન્યો હતો
ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે ત્યાં પહોંચીને સૂત્રોચ્ચાર કરીને અને ખાલિસ્તાની ધ્વજ લહેરાવીને વિરોધ પ્રદર્શન કરતા હિન્દુ જુથોનું વિરોધ પ્રદર્શન વિક્ષેપિત થયું હતું.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં લઘુમતી અધિકારોના મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. સમુદાયના પ્રતિનિધિઓએ આ વિક્ષેપને આઘાતજનક ગણાવ્યો અને કહ્યું કે તેનાથી ન્યાય અને સંવાદિતા માટેના શાંતિપૂર્ણ આહવાનને નુકસાન થાય છે.
ભારતે રાજદ્વારી સ્તરે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો સહિત લઘુમતીઓ સામેની “સતત દુશ્મનાવટ” ગંભીર ચિંતાનો વિષય છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર સ્ત્રોતોએ ગયા વર્ષે બાંગ્લાદેશની વચગાળાની સરકારની રચના પછી લઘુમતીઓ સામે હિંસાના 2,900 થી વધુ બનાવોનું દસ્તાવેજીકરણ કર્યું છે
લંડનમાં પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને લઘુમતીઓ માટે જવાબદારી અને રક્ષણ સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવા વિનંતી કરી, ચેતવણી આપી કે મૌન વધુ હિંસાને પ્રોત્સાહન આપી શકે છે.













