લેસ્ટરશાયરમાં A46 પર તા. 13 ડિસેમ્બર, શનિવારના રોજ, થ્રુસિંગ્ટન અને સિલેબી વચ્ચે બ્લ્યુ BMW 5 સિરીઝ કાર વાહન અકસ્માતનો ભોગ બનતા મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓમાંથી બે મહિલાઓના નામ લેસ્ટરની 42 વર્ષીય નીરુ પટેલ અને 42 વર્ષીય ભામિની કરસન હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાસ્થળે જ ત્રણ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે ચોથી મહિલાને નાની ઇજાઓ થઈ હતી. પરિવારની વિનંતીને કારણે મૃત્યુ પામેલી ત્રીજી મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

લેસ્ટરશાયર પોલીસે પુષ્ટિ આપી છે કે ખતરનાક ડ્રાઇવિંગની શંકાના આધારે 37 વર્ષીય મહિલાની ધરપકડ કરી જામીન પર મુક્ત કરવામાં આવી છે.  અધિકારીઓએ જણાવ્યું છે કે અથડામણની આસપાસના સંપૂર્ણ સંજોગો સ્થાપિત કરવા માટે તપાસ ચાલુ છે.

ફોરેન્સિક અધિકારીઓએ આખી રાત અને બીજા દિવસે ઘટનાસ્થળની વિગતવાર તપાસ કરી હતી જેને કારણે A46 રોડ ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો અને તેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો.

નીરુ પટેલના પરિવારે તેમને એક સમર્પિત માતા તરીકે વર્ણવ્યા હતા જેમનું જીવન પ્રેમ, કરુણા અને શાંત શ્રદ્ધાથી પ્રેરિત હતું. તેમણે કહ્યું કે તેમની દયા ઘણા લોકોને સ્પર્શી ગઈ હતી અને તેમના મૂલ્યો તેમના બે બાળકો અને તેમના પરિચિતો દ્વારા જીવંત રહેશે.

ભામિની કરસનના પરિવારે તેમને એક પ્રેમાળ પત્ની, માતા અને પુત્રી તરીકે યાદ કર્યા હતા જેઓ તેમના ઉષ્માભર્યા, ખુશનુમા વ્યક્તિત્વ અને ઉદારતા માટે જાણીતા હતા. તેમણે શોક વ્યક્ત કરતી વખતે ગોપનીયતાની વિનંતી કરી હતી કે મીડિયા અને જનતા દ્વારા તેમની ઇચ્છાઓનો આદર કરવામાં આવે.

પોલીસે ક્રેશ સમયે આ વિસ્તારની માહિતી અથવા ડેશકેમ ફૂટેજ ધરાવતા કોઈપણ વ્યક્તિને તપાસ ચાલુ હોવાથી આગળ આવવા વિનંતી કરી છે.

LEAVE A REPLY