
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 12 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું ઉદ્ઘાટન કર્યું હતું અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે પતંગ ઉડાવવાનો આનંદ માણ્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં અલગેરિયા, આર્જન્ટિના, ચિલી, કોસ્ટારિકા, ફ્રાન્સ, ગ્રીસ, ઈન્ડોનેશિયા, આર્યલેન્ડ, જોર્ડન, રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ટયુનિશિયા, વિયેતનામ અને યુ.કે સહિતના 50 દેશના આંતરરાષ્ટ્રીય પતંગબાજો હાજરી આપી રહ્યાં છે.
સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી મોદી અને ચાન્સેલર મેર્ઝ સાબરમતી રિવરફ્રન્ટ ગયાં હતાં, જ્યાં રાજ્ય સરકારે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. કાર્યક્રમ સ્થળે મોદી અને મેર્ઝે મહિલા કારીગરો સાથે વાતચીત કરી હતી અને પતંગ બનાવવાની પ્રક્રિયા સમજી હતી. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પછી બંને નેતાઓએ ખુલ્લા વાહનમાં સવારી કરી હતી અને પતંગ ઉડાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ જેટલા પતંગબાજો અને ભારતના લગભગ ૧,૦૦૦ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવના ભાગ રૂપે પતંગબાજોએ છેલ્લા બે દિવસ દરમિયાન રાજકોટ, સુરત, ધોળાવીરા (કચ્છમાં) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (નર્મદા) જેવા સ્થળોની મુલાકાત લીધી હતી અને પતંગ ઉત્સવનો આનંદ માણ્યો હતો. અમદાવાદમાં આ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.ગયા વર્ષે આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતાં.’આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા, ગુજરાત પ્રવાસન પ્રવાસીઓને ધોળાવીરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા અગ્રણી સાંસ્કૃતિક અને પર્યટન સ્થળો તરફ આકર્ષિત કરી રહ્યું છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જોવા માટે પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે તેવી સરકારને અપેક્ષા છે










