ભારતની ન્યૂઝીલેન્ડ સામેની બાકીની બે વન-ડે ઈન્ટરનેશનલ્સની ટીમમાં ઈજાના પગલે ફેરફારો કરવાની ફરજ પડી છે. વડોદરામાં રવિવારની મેચ પહેલા જ વિકેટકીપર બેટર ઋષભ પંત શનિવારે ઈજાગ્રસ્ત થયો હતો, તો સ્પિનર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ સંપૂર્ણપણે ફિટ નહીં હોવા છતાં વડોદરાની મેચમાં તો રમ્યો હતો, પણ બાકીની બે વન-ડે માટે તેને આરામ આપવો પડ્યો છે.
પંતને શનિવારે બપોરે વડોદરામાં નેટ પ્રેક્ટિસ વખતે અચાનક જમણી બાજુ પડખામાં ભયાનક દુખાવો થવા લાગ્યો હતો. એ પછી તેને તુરંત જ મેદાનની બહાર લઈ જવાયો હતો.
તપાસમાં પંતને સાઇડ સ્ટ્રેઈન જણાયું હતું, તેના કારણે હવે તે બાકીની બે વન-ડેમાં નહીં રમી શકે. ઋષભ પંતના સ્થાને પસંદગી સમિતિએ યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલનો ટીમમાં સમાવેશ કર્યો હતો. 24 વર્ષનો જુરેલ ભારતીય ટીમ માટે 9 ટેસ્ટ અને 4 ટી-20 રમી ચૂક્યો છે, પણ વન-ડેમાં હજી તેને તક મળી નથી.
વોશિંગ્ટન સુંદરને રવિવારે વડોદરાની મેચ દરમિયાન પાંસળીમાં ઈજા થઈ હતી. મેચ પછી કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સુંદરને ઈજા થઈ હતી. તે 5 ઓવર બોલિંગ કર્યા પછી પછી મેદાનમાંથી બહાર નીકળી ગયો હતો. જો કે, ઈજા હોવા છતાં તે બેટિંગ કરવા આવ્યો હતો અને છેક સુધી રાહુલને સાથ આપ્યો હતો.
સુંદર આ સિરીઝમાં ઈજાગ્રસ્ત થનારો ત્રીજો ભારતીય ખેલાડી છે. સિરીઝ શરૂ થતા પહેલા જ તિલક વર્મા પણ ઈજાગ્રસ્ત થયો હતો. સુંદરની જગ્યાએ આયુષ બડોનીનો સમાવેશ કરાયો છે.












