ભારતની અગ્રણી ફાર્મા કંપની લુપિન તથા પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ TPG કેપિટલ અને EQT પાર્ટનર્સ યુકેની સૌથી મોટી ન્યુટ્રાસ્યુટિકલ કંપની વિટાબાયોટિક્સને હસ્તગત કરવા માટે પ્રારંભિક તબક્કાની મંત્રણા કરી રહી છે. આ આ સંભવિત સોદામાં લાલવાણી પરિવારની માલિકીના બિઝનેસનું મૂલ્ય લગભગ £1 બિલિયન આંકવામાં આવે તેવો અંદાજ છે. વિટાબાયોટિક્સની સ્થાપના પાંચ દાયકા પહેલા બ્રિટિશ ભારતીય ઉદ્યોગસાહસિક ડૉ. કરતાર લાલવાણીએ કરી હતી.
ઇકોનોમિક ટાઇમ્સે સૂત્રોને ટાંકીને તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે લુપિન સંભવિત બિડ માટે એક પ્રાઇવેટ ઇક્વિટી કંપની માટે કોન્સોર્ટિયમ બનાવવાની વિચારણા કરી રહી છે.
1971માં સ્થપાયેલ વિટાબાયોટિક્સ યુકેની સૌથી મોટી વિટામિન, મિનરલ્સ એન્ડ સપ્લીમેન્ટ કંપની છે, જેની વાર્ષિક આવક લગભગ £૨૫૦ મિલિયન છે અને લગભગ 80 દેશોમાં તેનું વેચાણ થાય છે.
આ કંપની વેલવુમન, વેલબેબી, પ્રેગ્નેકેર, મેનોપેસ, ફેરોગ્લોબિન, ઇમ્યુનેસ, વિઝનેસ, પરફેક્ટિલ અને ઓસ્ટિઓકેર જેવી બ્રાન્ડ્સ માટે જાણીતી છે. વિટાબાયોટિક્સનું સંચાલન હાલમાં તેના સ્થાપકના પુત્ર તેજ લાલવાણી કરે છે. બોન યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં પીએચડી ધરાવતા ડૉ. કરતાર લાલવાણી આ બિઝનેસ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જ્યારે તેમના મોટા પુત્ર અજિત લાલવાણી કંપનીના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડના અધ્યક્ષ છે.
ઇકોનોમિક ટાઇમ્સર રીપોર્ટ અનુસાર મેનકાઈન્ડ ફાર્મા અને ઝાયડસ વેલનેસ સહિત ઘણી ભારતીય કંપનીઓએ અગાઉ આ કંપનીનું મૂલ્યાંકન કર્યું હતું, પરંતુ વેલ્યુએશનની ચિંતાઓને કારણે આગળ ન વધવાનો નિર્ણય લીધો હતો. મેનકાઈન્ડ ફાર્માના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની વિટાબાયોટિક્સ માટે બોલી લગાવી રહી નથી.
વિટાબાયોટિક્સની ભારતીય કંપની મેયર વિટાબાયોટિક્સ ગ્રુપના વાર્ષિક વેચાણમાં લગભગ 20 ટકા ફાળો આપે છે. ભારતમાં તેનો મુખ્ય બ્રાન્ડ, કેલ્સીમેક્સ બાળરોગ, ડાયાબિટીસ, હૃદય સંભાળ અને મહિલા સ્વાસ્થ્ય, ખાસ કરીને ગર્ભાવસ્થા અને મેનોપોઝમાં મજબૂત હાજરી ધરાવે છે. ફાર્માટ્રેકના ડેટા અનુસાર ઓક્ટોબર 2025 સુધીના 12 મહિના માટે મેયર વિટાબાયોટિક્સનું પ્રિસ્ક્રિપ્શન વેચાણ £39.2 મિલિયન રહ્યું, જે વાર્ષિક કુલ ધોરણે 13 ટકા વધ્યું.












