ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને સોમવારે (12 જાન્યુઆરી) ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી હતી. ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. બંને છેલ્લા કેટલાક સમયથી રીલેશનશિપમાં હતા અને મે 2025માં પોતાના સંબંધો જાહેર કર્યા હતા.
સોફી શાઈન હાલમાં અમેરિકાની ફાયનાન્સિયલ સર્વિસ કંપની નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ કન્સલ્ટન્ટ)ના પદે યુએઈમાં કાર્યરત છે. ગયા વર્ષે ધવન અને સોફી દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન સાથે દેખાયા હતા. આ ઉપરાંત, બંને એક મીડિયા કોન્ક્લેવમાં પણ દેખાયા હતા, જ્યાં ધવને ઇશારામાં ફરીથી પ્રેમ મળવાની વાત કહી હતી.
તેની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ સોફીએ આયર્લેન્ડની લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેનું પ્રારંભિક શિક્ષણ કેસલરોય કોલેજમાં પૂર્ણ થયું હતું. મીડિયા રીપોર્ટ અનુસાર, શિખર ધવન અને સોફી શાઇન ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે.
ધવનના તેની ભૂતપૂર્વ પત્ની આયેશા મુખર્જી સાથે ઓક્ટોબર 2023માં સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. બંનેના લગ્ન 2011માં થયા હતા, આયેશાના તે બીજા લગ્ન હતા.
ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય અને માતા બ્રિટિશ સમુદાયના છે. શિખર કરતા 10 વર્ષ મોટી આયેશા કિક બોક્સર છે અને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકી છે.














