મનોરંજન ક્ષેત્રે યૂટ્યુબ પ્રથમવાર બીબીસીથી આગળ નીકળી ગયું છે, જે બ્રિટનમાં આ ક્ષેત્રે બીબીસીના લગભગ સદી જેટલા વર્ચસ્વનો અંત દર્શાવે છે.
અધિકૃત રેટિંગ એજન્સી બાર્બ અનુસાર, યૂટ્યુબને હવે ટીવીમાં બીબીસીની તમામ ચેનલો કરતાં વધુ પ્રેક્ષકો નિહાળી રહ્યા છે. ડિસેમ્બરમાં 52 મિલિયન જેટલા લોકોએ તેમના ટેલિવિઝન, સ્માર્ટફોન અથવા લેપટોપ પર યૂટ્યૂબ પર મનોરંજન માણ્યું હતું, જ્યારે બ્રિટનના 50.8 મિલિયન લોકોએ બીબીસીના કાર્યક્રમોને માણ્યા હતા. જ્યારે બાર્બ દ્વારા દર્શકોની કાર્યક્રમો નિહાળવાની નોંધ લેવાનું શરૂ થયું ત્યારે ગૂગલની માલિકીના વિડીયો પ્લેટફોર્મ-યૂટ્યુબ નવેમ્બર અને ઓક્ટોબરમાં પણ બીબીસી કરતાં આગળ હતું. આ આંકડા બીબીસી માટે મહત્વપૂર્ણ છે, જે 90 વર્ષ અગાઉ ટીવી પ્રોગ્રામિંગ શરૂ કર્યા પછી બ્રિટનમાં પ્રભુત્વ ધરાવે છે, પરંતુ હવે તે દર્શકોને જાળવી રાખવાના પડકારોનો સામનો કરી રહ્યું છે. અન્ય જુની ચેનલો પણ લાંબા સમયથી નેટફ્લિક્સ અને ડિઝની જેવા અમેરિકન સ્ટ્રીમિંગ સ્પર્ધકો તરફથી જોખમ અનુભવે છે, તેમણે ફિલ્મો અને ટીવી શોમાં મોટા પ્રમાણમાં નાણાનું રોકાણ કરીને દર્શકોને આકર્ષ્યા છે. જોકે, આ ઉદ્યોગના જાણકારો યુટ્યૂબને સૌથી વધુ ખતરા તરીકે ધ્યાનમાં લઇ રહ્યા છે.

LEAVE A REPLY