કેરળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને પીઢ સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદન તથા અભિનેતા ધર્મેન્દ્રને 2026 માટે બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ હતી. જાહેર બાબતો માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થોમસ, કલામાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર અને વાયોલિનવાદક એન રાજમ, સાહિત્ય અને શિક્ષણમાં પ્રખ્યાત મલયાલમ પત્રકાર પી નારાયણનને પદ્મ વિભૂષણ એનાયત કરાશે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ સરકારે 2026 માટે 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પદ્મ ભૂષણથી સન્માનિત કરાયેલા લોકોમાં પ્લેબેક ગાયિકા અલકા યાજ્ઞિક, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારી, અભિનેતા મામૂટી અને બેંકર ઉદય કોટકનો સમાવેશ થાય છે. એડગુરુ પીયૂષ પાંડે, જેએમએમના સ્થાપક શિબુ સોરેન અને ભાજપ નેતા વીકે મલ્હોત્રાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે જ્યારે અભિનેતા અને હાસ્ય કલાકાર સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
90 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે અને યાદીમાં વિદેશીઓ, NRI, PIO અને OCI શ્રેણીના છ વ્યક્તિઓ અને 16 મરણોત્તર પુરસ્કાર વિજેતાઓનો સમાવેશ થાય છે.ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યારે ક્રિકેટર રોહિત શર્મા, મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌર અને હોકી ખેલાડી સવિતા પુનિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જેએનયુના ભૂતપૂર્વ વીસી એમ જગદેશ કુમાર, પૂર્વ પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર વેમપતિ અને અભિનેતા આર માધવન અને પ્રોસેનજિત ચેટર્જીના નામો પણ પદ્મશ્રી એવોર્ડ વિજેતા હતાં.













