(ANI Photo)

વિશાખાપટ્ટનમમાં ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ચોથી T20Iમાં ન્યુઝીલેન્ડે ભારતને ૫૦ રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં પોતાની પહેલી જીત મેળવી હતી. પાંચ પાંચ મેચની સિરિઝમાં હાલમાં 3-1થી આગળ છે. 31મીએ પાંચમી અને અંતિમ ટી20 મેચ રમાશે.

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં સાત વિકેટે 215 રન બનાવ્યા હતાં, જેના જવાબમાં ભારતે 18.4 ઓવરમાં 165 રન જ કરી શક્યું હતું. પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 ક્રિકેટ સિરીઝમાં સતત સારો દેખાવ કરી રહેલા અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ બેટિંગમાં નિષ્ફળ રહ્યાં હતાં. ભારત માટે શિવમ દૂબેએ ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી પરંતુ તેની બેટિંગથી ટીમના પરિણામમાં ફરક પડ્યો ન હતો.

મેચ જીતવા માટે 216 રનના ટાર્ગેટ સામે રમતાં ભારતે પહેલા જ બોલે અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ માત્ર આઠ રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. સંજુ સેમસને થોડી લડત આપીને 30 બોલમાં 39 રન ફટકાર્યા હતા. આ પછી શિવમ દૂબે 23 બોલમાં 65 રનના સ્કોરે આઉટ થતાં ભારતની લડતનો અંત આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં શાનદાર પ્રારંભ કર્યો હતો. નવમી ઓવર સુધીમાં ઓપનર્સ ડેવોન કોનવે અને ટિમ શેફર્ટે 100 રન ફટકારી દીધા હતા. કોનવેએ 23 બોલમાં 44 રન ફટકાર્યા હતા. આ બંનેના ઝંઝાવાત સામે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન ભારતીય બોલર્સે લાચાર પુરવાર થઈ ગયા હતા. પહેલી વિકેટ પડ્યા બાદ ન્યૂઝીલેન્ડની વિકેટોનું પતન શરૂ થઈ ગયું હતું. આ તબક્કેથી કિવિ ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી તેમ છતાં તેમની રનગતિ પર ખાસ ફરક પડ્યો ન હતો. જસપ્રિત બુમરાહે આવતાની સાથે રચિન રવન્દ્રને આઉટ કર્યો હતો પરંતુ તેણે ચાર ઓવરમાં 38 રન આપી દીધા હતા. સામાન્ય રીતે બુમરાહ આટલો ખર્ચાળ બનતો નથી.

LEAVE A REPLY