યુવા અભિનેત્રી તમન્ના ભાટિયાએ ફિલ્મ કારકિર્દીની સાથે એક નવો બિઝનેસ પણ શરૂ કર્યો છે. મુંબઈમાં તમન્નાએ પોતાનો નવો સ્ટોર ‘તમન્ના ફાઇન જ્વેલરી’ લોન્ચ કર્યો હતો.
આ અંગે તમન્નાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આધુનિક ડિઝાઇનને નવી પરિભાષા આપવા વિશે ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે, બ્રાન્ડના દરેક તબક્કામાં તેની સક્રિય ભાગીદારી રહી છે અને વર્ષો વિતવા સાથે લક્ઝરીની તેની વ્યાખ્યા કેવી રીતે બદલાઈ છે. આ બિઝનેસ શરૂ કરવા માટે કોની પ્રેરણા મળી તે અંગે તમન્નાએ જણાવ્યું હતું કે, ‘હું સિંધી છું, એટલે હું મૂળભૂત રીતે બિઝનેસ ફેમિલીમાંથી આવું છું. મારા પિતા પહેલેથી બિઝનેસમાં છે અને છેલ્લા 15 વર્ષથી જ્વેલરીના બિઝનેસમાં પણ છે. એટલે આ બિઝનેસ મારા માટે હંમેશાં એક વિકલ્પ હતો જ. પરંતુ અત્યાર સુધી મને લાગતું નહોતું કે મારી પાસે એવું કંઈ છે, જેનાથી હું કોઈ સાચું પરિવર્તન લાવી શકું. પણ જ્યારે હું રોજ શૂટિંગ, ઇવેન્ટ કે સામાન્ય રીતે બહાર જવા માટે તૈયાર થતી, ત્યારે મને હંમેશાં તૈયાર થવું ગમતું હતું. કપડાં તો સમય સાથે બદલાતાં રહે છે, પરંતુ મારે કંઈક એવું બનાવવું હતું, જે અનોખું હોય, તેથી મેં જ્વેલરી પસંદ કરી. મેં એવી ફાઇન જ્વેલરી બનાવવાનો નિર્ણય કર્યો, જે માત્ર ખાસ પ્રસંગો માટે નહીં, પણ રોજિંદા જીવનમાં પણ એ જ સ્ટાઇલ અને ગ્લેમર સાથે પહેરી શકાય.’
તમન્નાએ ફેશન અંગેના પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘મારી સ્ટાઇલ હંમેશાં ‘કેઝ્યુઅલ ગ્લેમર’નાં સંયોજન કેન્દ્રિત રહી છે. ગ્લેમરસ હોવું એટલું જ મહત્વનું છે જેટલું સરળ અને સહજ હોવું. હું બંનેમાંથી કંઈ જ છોડવા ઇચ્છતી નથી. આ જ વિચાર મારી જ્વેલરી ડિઝાઇનમાં પણ જોવા મળે છે.” તેણે પોતાની ભવ્યતાની વ્યાખ્યા વિશે કહ્યું હતું કે, “જે તમને તમારી જાતને સમજીને વ્યક્ત કરવામાં મદદ કરે અને તમને તેમાં આરામદાયક અનુભવ કરાવે તે તમારા માટે લક્ઝરી છે. લક્ઝરી માત્ર ભૌતિક નથી, તે એક લાગણી છે, જેમાં તમે તમારી જાતને સૌથી સુંદર અનુભવો છો.”













