યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ કોન્સ્યુલર અફેર્સ દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં જે મુસાફરો પાસે 1 ફેબ્રુઆરીથી, ‘રીયલ આઈડી’ અથવા પાસપોર્ટ જેવા કોઈપણ સર્વસ્વીકૃત ઓળખ કાર્ડ નથી, તેમણે ટ્રાન્સપોર્ટેશન સીક્યુરિટી એડમિનિસ્ટ્રેશન કન્ફર્મ આઈડી દ્વારા તેમની ઓળખ સાબિત કરવા માટેની ફી પેટે 45 ડોલર ચૂકવવા પડશે. ડીપાર્ટમેન્ટ દ્વારા તેના અધિકૃત એક્સ (ટ્વિટર) હેન્ડલ પર આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રીયલ આઇડીના વિકલ્પરૂપે પાસપોર્ટ કાર્ડ, જેની કિંમત 30 ડોલર જેટલી છે તે અથવા પાસપોર્ટ બુક બંને ડોમેસ્ટિક વિમાનની મુસાફરી માટે સ્વીકાર્ય છે, જેના કારણે મુસાફરોને 45 ડોલરની ફી ચૂકવવી પડશે નહીં. રીયલ આઈડી તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ પાસપોર્ટ કાર્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ પાસપોર્ટ બુક, બંને ડોક્યુમેન્ટસ સ્વીકાર્ય છે. જોકે, જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જે લોકો વિદેશમાં વિમાન મુસાફરી કરવા ઇચ્છે છે તેમના માટે આ પાસપોર્ટ કાર્ડનો ઉપયોગ માન્યતા ધરાવતા ઓળખપત્ર તરીકે થઈ શકશે નહીં. તેના માટે ફક્ત પાસપોર્ટ બુકનો ઉપયોગ કરી શકાય છે.













