સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર મહામારી કોરોનાની અસરના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના 400 જેટલા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીને કંઈક રસ્તો કાઢવા વિનવણી કરી છે. અત્યાર સુધી સાજા-નરવા આ છાત્રોને ત્યાં રહેવાથી કોરોનાનો ભોગ બનવાનો ભય સતાવી રહ્યો છે.
ફિલિપાઈન્સમાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ રજુઆત કરતા જણાવ્યું છે કે, રાજધાની મનીલા અને આસપાસના વિસ્તાર આગામી 1પ એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ કરી દીધા છે. ફક્ત હોસ્પિટલો જ ચાલું છે. અહી પરિવહનની કોઈ સુવિધા નથી. મોટાભાગના છાત્રો ગુજરાતી અને શાકાહારી છે. જેને જમવામાં ખુબ તકલીફ પડી રહી છે. પોતાના દેશમાં પરત ફરવા માટે ફિલિપાઈન્સ દ્વારા 7ર કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
પણ અહી દર વર્ષે વિઝા કઢાવવા પડતા હોય ઘણા વિદ્યાર્થીઓના વિઝા સમાપ્ત થઈ ગયા છે, ઘણાના પુરા થવાની તૈયારીમાં છે. આજે બપોરે ભારત સરકારે કરેલા નવા આદેશ અનુસાર 3 વાગ્યા પછી ફિલિપાઈન્સ, મલેશિયા કે અફઘાનિસ્તાનથી કોઈ ફ્લાઈટને ભારતમાં આવી શકશે નહીં. જેના કારણે વિદ્યાર્થીઓની છેલ્લી આશા પર પણ પાણી ફરી વળ્યું છે.
કચ્છના શાહબાઝ પઠાણ નામના એક વિદ્યાર્થીએ ત્યાંથી વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છના 30 જેટલા મળી આખા ગુજરાતના 400થી વધુ વિદ્યાર્થીઓ આવી રીતે ફસાયા છે. બહાર બજારમાં કંઈ જ ખુલ્લુ નથી. તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના રૂમમાં પુરાયેલા છે. ગોધરા, સુરેન્દ્રનગર, મહેસાણા, સિદ્ધપુર વગેરે શહેરોના વિદ્યાર્થીઓ અહી ફસાયા છે. સરકાર કંઈક વચલો રસ્તો કાઢીને પોતાના પરિવાર સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવી માગણી તેમણે કરી છે.