કોરોના વાઈરસનો ચેપ વિશ્વના ૧૮૮ દેશોમાં ફેલાયો છે. આખા વિશ્વમાં ૧૩,૭૪૬ લોકો તેનાં ખપ્પરમાં હોમાયા છે તો ૩,૨૨,૫૭૨ થી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. ૯૫,૯૨૨ લોકો સારવાર પછી સાજા થયા છે.
કિલર કોરોના વાઈરસના કેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો છતાં પણ કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3 લાખનો આંકડાે વટાવી ગયો છે. ભારત સહિત દુનિયાના 188 દેશ હવે આ મહામારી સામે ઝઝૂમી રહ્યા છે અને 13000થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોનાથી અસરગ્રસ્ત દેશોમાં સુપરપાવર અમેરિકા ત્રીજા ક્રમે આવી ગયું છે. ત્યાં કોરોના વાઈરસથી 26711 લોકો ચેપગ્રસ્ત છે. ન્યૂયોર્ક શહેર હવે અમેરિકાનું ‘વુહાન’ બની જશે તેવું જોખમ જણાય છે. અહીં 8377 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે.
ન્યૂયોર્ક શહેરની જેલોમાં ઓછામાં ઓછા 38 લોકો કોરોના ચેપગ્રસ્ત જણાયા છે.
આ બધા વચ્ચે બ્રિટનમાં અંદાજે 15 લાખ લોકોને કોરોના વાઈરસની મહામારીની દ્રષ્ટિએ વધુ સંવેદનશીલ હોવાનું જણાયું છે અને તે બધાને 12 સપ્તાહ માટે ઘરમાં જ રહેવાનું કહેવાયું છે. બ્રિટનના આરોગ્ય અધિકારીઓએ હાડકા કે બ્લડ કેન્સરના દર્દી, ફેફસાં અને પાચન તંત્રને નુકસાન કરતા સિસ્ટિક ફાઇબ્રોસિસના દર્દીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
બ્રિટનના કોમ્યુનિટી બાબતોના મિનિસ્ટર રોબર્ટ જેનરિકે એક નિવેદનમાં કહ્યું કે લોકોએ ઘરોમાં જ રહેવું જોઇએ. બ્રિટનમાં કોરોના વાઈરસથી 177 લોકોના મોત થઇ ચૂકયા છે.
ચિલીમાં 83 વર્ષના મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે. આ દેશમાં મોતનો પહેલો કેસ છે. ચિલીના આરોગ્ય પ્રધાન જેમ મનાલિચે કહ્યું કે ચેપના એક દિવસમાં 103 નવા કેસ જણાયા હતા, જેના કારણે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 500ની પર પહોંચી ગઇ છે. સરકારે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આવી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતો અટકાવવા નાગરિકોને રવિવારે દેશની અંદર કોઇપણ પ્રવાસ નહીં કરવાની, બિનજરૂરી મુસાફરી નહીં કરવાની સલાહ આપી છે.
યુરોપમાં જ કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 150,000થી વધુની થઈ હતી, તો આ વાઈરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 7,425ની હતી. ઈટાલી ઉપરાંત સ્પેઈનમાં પણ કોરોનાનાે કેર ખૂબજ વધુ હોવાનું જણાયું છે.