Mumbai: A general view of deserted JJ Flyover due to the coronavirus pandemic, in Mumbai, Saturday, March 21, 2020.(PTI Photo/Kunal Patil)(PTI21-03-2020_000177B)

ભારતમાં રવિવારે જનતાએ જડબેસલાક રીતે જનતા કરફ્યુનું પાલન કર્યું હતું. બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઈરસથી એક-એક એમ કુલ ત્રણનાં મોત નીપજતાં દેશમાં કુલ મૃત્યુઆંક 7 થયો હતો અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 365 થઈ ગઈ હતી.કેન્દ્ર સરકારે દિલ્હીના સાત સહિત 80થી વધુ જિલ્લાઓમાં 31મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.

બીજીબાજુ વકરી રહેલા કોરોના વાઇરસની ફેલાવા સાંકળ તોડવાના ઉદ્દેશ્યથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે, 22 માર્ચે સવારે ૭થી રાતના ૯ સુધી સમગ્ર દેશમાં જનતા કરફ્યૂ રાખવા આપેલા આહવાનને જોરદાર પ્રતિસાદ આપતાં ૧૩૦ કરોડની જનતાએ સજ્જડ જનતા કરફયૂ પાળ્યો હતો. રવિવાર સવારથી જ દિલ્હી, મુંબઇ, બેંગ્લુરૂ, કોલકાતા, ચેન્નઇ સહિતના દેશભરના શહેરો અને નાના નગરોથી માંડીને કસબાઓ સુધી રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. જાહેર પરિવહનથી માંડીને ખાનગી વાહનો રસ્તા પરથી અદૃશ્ય બની ગયાં હતાં.

કેટલાક રાજ્યોમાં લોકલ અને મેટ્રો ટ્રેન પણ સાવ ખાલી રહી હતી. ગો એર, ઇન્ડિગો અને એર વિસ્તારા જેવી ડોમેસ્ટિક એરલાઇન્સે મોટી સંખ્યામાં ફ્લાઇટ કેન્સલ કરતાં એરપોર્ટ પર પણ પાંખી હાજરી જોવા મળી હતી. દેશભરમાં નિયંત્રણોનાં કારણે બજારો, બિઝનેસ સંસ્થાનો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટથી માંડીને સડકો પર લારીઓ, પાનના ગલ્લા, ચાની કીટલી સહિત તમામ દુકાનો પણ બંધ રહી હતી. કોરોના ચેઇન તોડવાના પીએમ મોદીના આહવાનને દેશની ૧૩૦ કરોડની જનતાએ માથે ચડાવીને સ્વૈચ્છિક તાળાબંધીમાં રવિવાર વીતાવ્યો હતો.

રવિવારે સાંજે પાંચ કલાકે સમગ્ર દેશના લોકો તેમના ઘરોની અગાશીઓ, બારીઓ અને દરવાજામાં આવી ગયાં હતાં અને વડા પ્રધાન મોદીએ કરેલી અપીલને પગલે તાળી પાડી, થાળી-ઘંટ, ડુગડુગી અને શંખ વગાડીને કોરોના સામેની લડાઇમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી.વડા પ્રધાને જણાવ્યું હતું કે આજનો જનતા કરફ્યૂ ભલે રાતના ૯ વાગે પૂરો થઇ જાય પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે સિલેબ્રેશન શરૂ કરી દઇએ. આને સફળતા માનશો નહીં.

આ એક લાંબી લડાઇની શરૂઆત છે. આજે દેશવાસીઓએ સાબિત કરી દીધું છે કે આપણે સક્ષમ છીએ. નિર્ણય લઇએ તો મોટામાં મોટા પડકારને પણ એકજૂથ થઇને હરાવી શકીએ છીએ. વડા પ્રધાને લોકોને અપીલ કરી હતી કે જે શહેરોમાં લોકડાઉન કરાયો છે ત્યાં ઘરમાંથી જરાપણ બહાર ન નીકળે. આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું જરૂર પાલન કરીએ.

જે રાજ્યો અને જિલ્લાઓમાં લોકડાઉનની જાહેર થયો છે ત્યાં લોકો અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી લોકો ઘરની બહાર ન નીકળે. કરોડો લોકોએ ઘરમાં જ રહી જનતા કરફ્યૂને આપેલા સમર્થનને બિરદાવતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતે એકજૂથ થઇને કોરોનાની મહામારી સામે લડવાનો નિર્ણય કર્યો છે. જનતાએ આપેલું સમર્થન અદ્દભુત છે. વડા પ્રધાને શ્રેણીબદ્ધ ટ્વિટમાં જનતા કરફ્યૂની તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કર્યાં હતાં.

એક દિવસ ૧૪ કલાક સુધી સ્વેચ્છાએ લોકો ઘરમાં રહે તેનાથી કોરોના વાઇરસના પ્રસારની ચેઇન તૂટી જશે તેવા દાવા પર સવાલો ઉઠાવતાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ પણ તેમના ભાષણમાં આવો દાવો કર્યો નથી. એઇમ્સમાં માઇક્રોબાયોલોજી વિભાગના પૂર્વ વડા ડો. શોભા બ્રુરે જણાવ્યું હતું કે, લોકો એકદિવસ એકબીજાના સંપર્કમાં નહીં રહે તો વાઇરસનો નાશ થશે તે માનવું ભૂલભરેલું છે. તેના કારણે વાઇરસનો પ્રસાર કદાચ ઘટે પરંતુ તેની ચેઇન તૂટવાની કોઇ સંભાવના નથી. પુરાવા એવું કહેતા નથી કે કોરોનાનો વાઇરસ ૨૦-૨૨ કલાકમાં નાશ પામે છે.

એક વીકના જનતા કરફ્યુની જરૂર
કોરોનાનો પ્રસાર અટકાવવા માટે દેશવાસીઓએ એક દિવસના જનતા કરફ્યુનું જડબેસલાક પાલન કર્યું હતું. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં કોરોનાના સ્ટેજ થ્રી શરૂ થઈ ગયું છે ત્યારે કોરોનાને હરાવવા માટે એક દિવસ નહીં એક સપ્તાહ સુધી જનતા કરફ્યુ કે લોકડાઉન કરવાની જરૂર છે.

સિનિયર સાયન્ટીસ્ટ અને પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર ભૂપિંદર સિંહ ભૂપે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં કોરોનાનું સ્ટેજ થ્રી શરૂ થઈ ગયું છે, જે કોમ્યુનિટી ટ્રાન્સમિશન સુધી પહોંચ્યું છે. તેનો વિસ્તાર થશે તો પરિણામો ભયાનક હશે. રવિવારે જનતા કરફ્યુના પગલે લગભગ સમગ્ર દેશમાં 36 કલાક સુધી કરફ્યુ જેવી સ્થિતિ રહી હતી.

આથી કોરોના ઘણા અંશે હાર્યો છે, પરંતુ તેને આગળ વધતો અટકાવવા માટે એક સપ્તાહ સુધીના લોકડાઉનની જરૂર છે. ચીને પણ લગભગ એક સપ્તાહ સુધી વુહાન શહેરને લોકડાઉન કરીને કોરોના પર નિયંત્રણ મેળવ્યું હતું. અનેક વૈજ્ઞાાનિકોએ સરકારને આ અંગે ઝડપથી નિર્ણય લઈને લોકડાઉનના દિવસો વધારવા માગ કરી છે.

ઈટાલીથી 263 ભારતીયોને પરત લવાયા
ચીનની બહાર કોરોના વાઈરસનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં ફસાયેલા 263 ભારતીયોને એર ઈન્ડિયાના એક વિશેષ વિમાનમાં રવિવારે ભારત પરત લવાયા હતા. ઈટાલીમાં કોરોના વાઈરસે કેર મચાવ્યો છે ત્યારે 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન રવિવારે દિલ્હી પહોંચ્યું હતું. દિલ્હી એરપોર્ટથી આ ભારતીયોને આઈટીબીપીની ક્વોરેન્ટાઈન સુવિધામાં લઈ જવાયા હતા તેમ અધિકારીઓએ કહ્યું હતું.

એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે 263 ભારતીયોને લઈને આવેલી એક વિશેષ ફ્લાઈટે રવિવારે સવારે 10.00 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. એર ઈન્ડિયાના આ વિમાને ભારતીયોને પરત લાવવા માટે શનિવારે દિલ્હી એરપોર્ટથી ઉડ્ડયન કર્યું હતું. ઈટાલીથી આવેલા બધા જ 263 લોકોના એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને ઈમિગ્રેશન પછી દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના છાવલા વિસ્તારમાં આઈટીબીપીના ક્વોરેન્ટાઈન કેન્દ્રમાં લઈ જવાયા હતા.

ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ક્વોરેન્ટાઈન સુવિધામાં 15મી માર્ચથી 215 ભારતીયોને રખાયા છે. તેમને પણ રોમમાંથી જ એર ઈન્ડિયાના એક વિશેષ વિમાનમાં ભારત લવાયા હતા. આ સુવિધા કેન્દ્રમાં અગાઉ ચીનના વુહાનમાંથી લવાયેલા ભારતીયો અને વિદેશીઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં આવેલા લોકોને પણ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં હતાં.