ભારતમાં ફસાઈ ગયેલા યુકેના નાગરિકોને એવી લાગણી થાય છે કે, યુકે સરકારે તેમને તરછોડી દીધા છે. ભારતમાં મંગળવારે મધ્ય રાત્રીથી સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરાયા પછી અનેક સ્થળોએ ખોરાક કે ખાદ્ય સામગ્રી, પાણી તથા દવાઓ વગેરેની તંગી કે અભાવના અહેવાલોના કારણે સંખ્યાબંધ લોકો અસહાય સ્થિતિમાં મુકાયા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસના રોગચાળાના કારણે મંગળવારે મધ્ય રાત્રીથી ત્રણ વીક માટે સમગ્ર દેશની પ્રજાને ઘરમાં રહેવું ફરજિયાત હોવાની – લોકડાઉનની જાહેરાત કર્યા પછી તેમજ તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ્સ બંધ થઈ ગયા પછી લોકો હવે એક ગામ કે શહેરમાંથી બીજા ગામ કે શહેરમાં જઈ શકે તેમ નથી. રેલવે અને બસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ પણ બંધ થઈ ગઈ છે, તો અનિવાર્ય સંજોગો સિવાય ખાનગી વાહનોની અવરજવર ઉપર પણ પ્રતિબંધ છે.
કેરેલામાં ફસાયેલા છ બ્રિટિશ નાગરિકોના એક જૂથમાંથી એક કપલની કોર્નવોલના ન્યૂક્વેમાં રહેતી દિકરી કેથરિન વેબસ્ટરે ખૂબજ ચિંતાતુર સ્વરે કહ્યું હતું કે, છ લોકોનું એક ગ્રુપ ત્યાંની હોસ્પિટલની ખૂબજ ખરાબ સ્થિતિના કારણે જોખમમાં મુકાયું છે. આ તમામ છ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેથી તેમને કેરેલાની હોસ્પિટલમાં આઈસોલેશનમાં રખાયા છે. 61 વર્ષથી 83 વર્ષની વય જુથના આ લોકોએ હોસ્પિટલની સ્થિતિ અંગે આપેલા અહેવાલ મુજબ તે ખૂબજ અસ્વચ્છ અને દયનિય, સુગ ચડે તેવી હોસ્પિટલ છે. ત્યાં ઉંદરની હગાર પણ ઠેરઠેર પડેલી છે તો આ દર્દીઓ માટે યોગ્ય પથારી પણ નથી. તેમને ટોઈલેટ પેપર, સાબુ, ટુવાલ વગેરે પણ અપાયા નથી, ફક્ત સામાન્ય ભોજન અપાય છે. 44 વર્ષની કેથરીનને ડર છે કે, આ લોકો કોરોનાથી બચી જાય તો પણ અન્ય બિમારીઓ કે માનસિક યાતનાના કારણે તેમની તકલીફમાં વધારો થવાનું કે મૃત્યુનું જોખમ છે.
બેડફર્ડની 49 વર્ષની રૂપિન્દર ગીલને પોતાના 7 સભ્યોના પરિવારની ચિંતા છે. તેઓ પંજાબના એક ગામમાં કરફયુના કારણે ત્રણ દિવસ કરતાં વધુ સમયથી ફસાયેલા છે, તેના 81 વર્ષના દાદીની દવાઓ થોડા જ દિવસમાં ખલાસ થઈ જવાનું જોખમ છે.
ડર્બીની મેરિનેડર હનિફના કહેવા મુજબ તેની માતા, કાકી અને કાકાને દિલ્હીથી પંજાબમાં તેમના વતનના ગામમાં જતા રસ્તામાં લૂંટી લેવાયા હતા. હવે પંજાબમાં અને ભારતમાં લોકડાઉન છે અને તેને કાકીની ખાસ ચિંતા છે કારણ કે તે હૃદયરોગ, શ્વસન તંત્રના તેમજ ડાયાબિટિસના દર્દી છે.
જો કે, લંડનમાં ફોરેન ઓફિસના એક મહિલા પ્રવકતાએ જણાવ્યું હતું કે, તેમનો સ્ટાફ ભારતમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહેલા બ્રિટિશ નાગરિકોની એક ટીમને સહાય કરી રહી છે. આ ટીમ ભારતમાં સ્થાનિક હેલ્થ અધિકારીઓના સંપર્કમાં છે.
એક અંદાજ મુજબ 1 મિલિયન (10 લાખ) જેટલા બ્રિટિશ નાગરિકો હાલ દુનિયાભરમાં અનેક દેશોમાં છે અને તેઓને બધાને તુરત જ યુકે પાછા ફરવા ફોરેન ઓફિસે સલાહ આપી છે.