રોગચાળો એનએચએસને ભાવિ માટે તૈયાર કરે છે
કોરોનાવાયરસ ફાટી નીકળતા એનએચએસને તેની ઑનલાઇન અને અન્ય કામગીરીમાં આશ્ચર્યજનક ગતિએ નવિનતા લાવવાની તક મળી છે. રોયલ કૉલેજ ઑફ જનરલ પ્રેક્ટિશનર્સના અધ્યક્ષ માર્ટિન માર્શલના જણાવ્યા અનુસાર જે નવી ટેકનીક અપનાવવામાં આપણને 20 વર્ષ લાગ્યા હતા તે આપણે ફક્ત અઢી વીકમાં મેળવી છે. હોસ્પિટલ અને જી.પી.ની એપોઇન્ટમેન્ટ ઑનલાઇન કરવામાં આવી છે અને દર્દીના રેકોર્ડ્સ નહિં વહેંચવાના નિયમો રદ કરાયા છે. ત્રણ અઠવાડિયા પહેલા 80 ટકા કન્સલ્ટેશન ફેસ ટુ ફેસ કરવામાં આવ્યા હતા જે હવે 10 ટકા જ થશે. હવે ખૂબ જ અગત્યનુ હશે તો જ કન્સલ્ટેશન કરાશે. રોગચાળા પછી જી.પી.ની અડધી એપોઇન્ટમેન્ટ ઑનલાઇન અથવા ટેલિફોન દ્વારા થશે.
હેલ્થકેર કર્મચારીઓ માટે એક નવી કમ્યુનિકેશન એપ્લિકેશન ‘પાન્ડો’ને દરરોજ 1,000થી વધુ ડોકટરો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી રહી છે. જે દર્દી સુધી એક્સીડેન્ટ અને ઇમરજન્સી વિભાગને લઇ આવે છે અને તેઓ દૂર રહે જ મદદ કરે છે.
લેસ્ટરની હોસ્પિટલોમાં કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં વધારો
તા. 5 એપ્રિલના રોજ કોરોનાવાયરસથી વધુ 14 દર્દીઓ મૃત્યુ પામતા લેસ્ટરની હોસ્પિટલોમાં મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા કુલ 51 થઇ છે. રોગચાળો ફાટી નીકળ્યા પછી લેસ્ટર એનએચએસ ટ્રસ્ટે જાહેર કરેલી આ સૌથી મોટી સંખ્યા છે. લેસ્ટરમાં મૃત્યુ પામનાર લોકો 50થી 90 વર્ષના દાયકાના છે. આ ખૂબ જ મુશ્કેલ અને દુ:ખદાયક સમયે અમારી લાગણી આ દર્દીઓના પરિવારો અને મિત્રો સાથે છે.”
કોરોનાવાયરસ રોગચાળામાં BAME તબીબોની નિર્ણાયક ભૂમિકા
યુકેમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા પ્રથમ ચાર ડોકટરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે પરંતુ કોઇનુ ધ્યાન એ બાબત પર નથી ગયુ કે તેઓ ચારેય BAME બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. ડૉ. અલ્ફા સાદુ (ઉ.વ. 68), ડો. અમજદ અલ-હાવરાણી (ઉ.વ. 55), ડૉ. આદિલ અલ ટાયાર (ઉ.વ. 64) અને જીપી ડૉ. હબીબ ઝૈદી (ઉ.વ. 76) એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિતના પ્રદેશોના હતા.
મેલાનિન મેડિક્સના સ્થાપક ઓલામાઇડ દાદાએ જણાવ્યું હતું કે ‘’બ્લેક, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયના તબીબોને હંમેશાં નકારાત્મક વાર્તાઓમાં દર્શાવાતા હોય છે. દા.ત. જાતિવાદ વિશે. પરંતુ કોરોનાવાયરસ સામેની લડતમાં તેમણે જે મોરચો માંડ્યો હતો તે આદરને લાયક છે. તે બતાવે છે કે તેઓ ફક્ત સેવા આપવા માંગતા હતા. તેમનું યોગદાન અન્ય વ્યક્તિઓ જેટલું જ મહત્વપૂર્ણ છે, પછી ભલે તેઓ યુકેમાં જન્મેલા હોય કે ન હોય.”
માર્ચ 2019 સુધીમાં એનએચએસ દ્વારા કાર્યરત 1.2 મિલિયનમાંથી 20% કર્મચારીઓ BAME હતા, જ્યારે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં BAMEની વસ્તી 14% જ છે. તબીબી સ્ટાફમાં BAMEનુ પ્રમાણ 44% છે. ગયા વર્ષે માર્ચ સુધીમાં 43% સિનિયર એનએચએસ ડોકટરો અને 47% જુનિયર ડોકટરો BAME હતા.
હેલ્થ સેક્રેટરી, મેટ હેનકોકે કહ્યું હતુ કે “જે લોકો મરણ પામ્યા છે તેમાંના ઘણા NHS ના લોકો આ દેશમાં ફરક લાવવા આવ્યા હતા અને તેમણે તે માટે બલિદાન આપ્યું છે અને અમે તેમને સલામ કરીએ છીએ.”
શરદી-ઉધરસની દવાના ભાવોમાં વધારો
જેમ જેમ કોરોનાવાયરસનો ફેલાતો વધતો જાય છે તેમ તેમ દવાની માંગમાં વધારો થતા હાઇ સ્ટ્રીટ રિટેલરોએ પાછલા અઠવાડિયામાં ઉઘરસની દવાઓની કિંમતમાં 10.7 ટકાનો વધારો કર્યો છે એમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સના આંકડામાં જણાવાયુ છે.
હાઇ સ્ટ્રીટ પરની સુપરમાર્કેટ્સ અને અન્ય સ્ટોર્સની વેબસાઇટમાંથી એકત્રિત થયેલા ડેટા મુજબ પેરાસીટામોલના ભાવમાં એક અઠવાડિયામાં 2.8 ટકાનો વધારો થયો છે. કોવિડ-19 દર્દીઓ વાપરવાનું ટાળ્યું હતું તે ઇબુપ્રોફેનની કિંમત યથાવત રહી હતી. 16 માર્ચથી શરૂ થતા સપ્તાહ અને 23 માર્ચથી શરૂ થતા સપ્તાહની વચ્ચે બહુ જરૂરી ગણાવાયેલી ખોરાકથી લઈને નેપી, વાઇપ્સ અને હેન્ડવોશ જેવી વસ્તુઓની કિંમતો 1.1 ટકા વધી હતી. પરંતુ તેનો વાર્ષિક ભાવ વધારાનો દર 1.7 ટકા જ છે.
ધ કોમ્પીટીશન્સ એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ આવો ભાવ વધારો કરનાર રિટેલર્સને ચેતવણી આપી હતી કે તે વેચાણ અને ભાવોની કામગીરી પર નજર રાખશે અને કાયદાનો ભંગ કરતી કોઈપણ કંપની સામે કાર્યવાહી કરશે.
વિમ્બલ્ડન મેચો રદ થતા £100 મિલીયનનું પેઆઉટ
કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળતાં વિમ્બલ્ડનને રદ કરવાની ફરજ પડી છે ત્યારે ચેપી રોગચાળાને આવરી લેતી ઑલ ઇંગ્લેંડ ક્લબની વીમા પૉલિસી સામે £100 મિલિયનથી વધુ રકમના દાવાની રજૂઆત કરવાની પ્રક્રિયામાં છે. ક્લબની અગમચેતીને કારણે તે મોટા નુકશાનમંથી બચી ગઇ છે. જેની સામે ફ્રેન્ચ ઓપન રમાડતા ફ્રેન્ચ ટેનિસ ફેડરેશને તેની મે માસમાં રમાનારી ટુર્નામેન્ટ મેચો સપ્ટેમ્બરમાં રમાડવાની જાહેરાત કરી છે. જો તેમ ન થાત તો £230 મિલિયન ગુમાવવાની શક્યતા હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત વિમ્બલ્ડન ન રાખવાનો નિર્ણય લેવાયો છે અને તેની પોલીસીનુ વાર્ષિક પ્રિમયમ £1.5 મિલિયન જેટલું થાય છે. અત્યારે હાલ £250 મિલિયનના વળતરની અપેક્ષા કરવામાં આવે છે. જો કે ચૂકવણી ઓછી કરવી પડશે કારણ કે ક્લબને સ્ટાફ, બાંધકામ અને £40 મિલિયનના ઇનામની રકમનો ખર્ચ સહન કરવો પડશે નહીં.
એક જ દિવસમાં 1,000 કૉલ્સ અને સંદેશા મેળવતા ફાર્માસિસ્ટ
ગ્રીનહી પ્લેસ, સ્કેલમર્સડલ ખાતે કેમિસ્ટ 4 યુ નામની ફાર્મસી ચલાવતા શમિર પટેલ “અભૂતપૂર્વ” એવા 400 કોલ્સ અને 600 મેસેજ મેળવી પરેશાન થઇ ગયા છે. તેમની ફાર્મસી પર લાંબી કતારો લાગી છે અને લોકો પોતાને બિનજરૂરી રીતે જોખમમાં મૂકી રહ્યા છે જેને રોકવાની જરૂર છે.
શ્રી પટેલે દર્દીઓને વિનંતી કરી હતી કે તેઓ ફાર્મસી પર દવા લેવા આવવાને બદલે પોતાની દવાઓ ઘરે મંગાવે જેથી ફાર્મસી પર લાંબી કતારો લાગે નહિ. મોટાભાગની ફાર્મસીઓ બે-વ્યક્તિઓને જ દાખલ થવા દે છે. પરંતુ વ્યવહારમાં સ્થાનિક ફાર્મસીઓ ભારે દબાણ હેઠળ છે. અમારે ત્યા દવાઓની માંગણી કરતી વિનંતીઓ વધી ગઇ છે. એક જ દિવસમાં અમે 2,000 પ્રિસ્ક્રિપ્શનો વિતરિત કર્યા હતા. અમને 400થી વધુ કોલ્સ, 600 સંદેશાઓ મળ્યા હતા. નાની લોકલ ફાર્મસીઓ પાસે દવાઓની માંગમાં થયેલા વધારાને કારણે કર્મચારીઓ તાજેતરના અઠવાડિયામાં ભારે દબાણમાં મુકાયા છે. લોકોએ શક્ય હોય ત્યાં સુધી કેમીસ્ટને ટાળવાનો પ્રયત્ન કરવો જોઇએ.’’
તેમણે કહ્યું હતુ કે “અમે સમજીએ છીએ કે લોકો તેમને દવાઓ મળશે કે નહિ તે અંગે ચિંતિત છે. પરંતુ જો લોકો ઑનલાઇન ફાર્મસી સાથે સાઇન અપ કરશે તો કોમ્યુનિટી ફાર્મસીઓ પરનુ દબાણ મોટા પ્રમાણમાં ઘટશે. તેની નોંધણી કરાવવી ખૂબ જ સરળ છે.’’
શમીર પટેલે 2006માં કેમિસ્ટ 4 યુ વેબસાઇટ શરૂ કરતા પહેલા 2001માં તેમની પ્રથમ ફાર્મસી શરૂ કરી હતી, જે ઑનલાઇન ફાર્માસ્યુટિકલ સેવાઓ અને ડિલિવરી આપે છે. કેમિસ્ટ અને સપ્લાયર્સ પૂરતા પ્રમાણમાં સ્ટોક ધરાવે છે અને હાલમાં દવાઓની અછતનું જોખમ ઓછું છે.