યુકેમાં કોરોનાવાયરસના કારણે કુલ મૃત્યુ આંક 6,227 થયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે રેકોર્ડ 854 લોકો મરણ પામ્યા હતા. એકલા ઇંગ્લેન્ડમાં જ 758 લોકોના મૃત્યુ થયા હતાં. સ્કોટલેન્ડમાં 74, વેલ્સમાં 19 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 3 લોકોના મોત નિપજ્યા હતા.
ગઈ કાલના મરણમા આંકડા અઠવાડિયામાં માટે સૌથી નીચા રહ્યા હતા અને આજના આંકડા અત્યાર સુધીમાં ટોચ પર રહ્યા હતા. આજે મોતને ભેટેલા લોકોની સંખ્યામાં આવેલો ઉછાળો સૂચવે છે કે દેશમાં ફાટી નીકળેલો રોગચાળો શમી જાય તે માટે લાંબી રાહ જોવી પડશે. છેલ્લા સમાચાર મુજબ વડા પ્રધાન સ્થિર સ્થિતિમાં છે અને તેમને ન્યુમોનિયા નથી અને તેઓ જાતે શ્વાસ લઈ રહ્યા છે.
ઇંગ્લેન્ડમાં મોતને ભેટેલા દર્દીઓ 23 થી 102 વર્ષની વયના હતા અને તેમાંથી 29 જેટલા લોકોને કોઇજ નોંધાયેલી બીમારી ન હતી. જેમની વય 23થી 99 વર્ષની હતી. ગઈકાલે જાહેર કરાયેલા 437ના મોતની સામે આજની સંખ્યા લગભગ બમણી છે. વૈજ્ઞાનિકોએ તાજેતરના અઠવાડિયામાં આગાહી કરી છે કે કોરોનાવાયરસની ચરમસીમા ઇસ્ટર પર નજરે પડશે અને આગામી સાત દિવસો રાષ્ટ્ર માટે તોફાની બની રહેશે.
આજે નોંધાયેલા મૃત્યુઆંકનો વધારો ગઈકાલે થયેલા મોત કરતા વધારે છે અને બની શકે છે કે ડેટા રેકોર્ડ કરવામાં વિલંબ હોવાના કારણે તે આજે નોંધાયા હોઈ શકે છે. જેમ જેમ મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, તેમ તેમ ભૂતકાળના મૃત્યુની સંખ્યા પણ છે જે દરરોજની ગણતરીમાં ફેરવવામાં આવી રહી છે. કેટલીક જાનહાનિ તો ખરેખર 10 દિવસ પહેલા થઈ હતી પરંતુ પેપર વર્કના વિલંબના કારણે તે અગાઉ નોંધવામાં આવી ન હતી.
હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરીકે કહ્યું હતું કે ‘’હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા સ્થિર રહેશે તો આવતા અઠવાડિયાઓમાં યુકેના લોકડાઉનને સરળ બનાવવા અંગે વિચારણા કરાશે. એવી આશંકા છે કે લાંબા ક્વોરેન્ટાઇનથી અર્થતંત્રને કાયમી નુકસાન પહોંચે તેમ છે અને એનએચએસ અત્યાર સુધી સારી રીતે સામનો કરી રહ્યું છે.’’
અગ્રણી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે યુકે એન્ટિબોડી ટેસ્ટ માટે ઓછામાં ઓછો તેઓ એક મહિનો દૂર છે. પહેલેથી તપાસવામાં આવેલી બધી કીટે ‘સારી કામગીરી બજાવી નથી’ અને તે વાપરવા યોગ્ય નથી. અમેરિકાના નોર્થ કેરોલાઇનાની એક પેઢીના એક એન્ટી બોડી ટેસ્ટને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી મંજૂરી મળ્યા પછી યુએસએ દ્વારા ગયા અઠવાડિયે તેનો પ્રથમ એન્ટિબોડી ટેસ્ટ કરાયો હતો જેનુ રીઝલ્ટ 93.8 ટકા સચોટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઇટાલી, સ્પેન અને જર્મની સહિતના યુરોપના દેશોમાં મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મની આ પહેલા જ રોગચાળામાં ટોચ પર પહોંચી ચૂક્યુ છે અને માત્ર 1,600 લોકોનાં મોત થયા છે. ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હીટી સેલ્ફ આઇસોલેશનમાંથી બહાર આવ્યા છે અને કાર્યરત છે. બીજી તરફ કેબિનેટ મિનીસ્ટર માઇકલ ગોવ આજે કોરોનાવાયરસની બીમારીને પગલે સેલ્ફઆઇસોલેટ થયા હતા. ચિંતાજનક આંકડા દર્શાવે છે કે ફ્રાન્સ અને ઇટાલી કરતા યુકેનો કોરોનાવાયરસ રોગચાળો આગળ નીકળી ગયો હતો.
આરોગ્ય સચિવ મેટ હેન્કોકે ધમકી આપી હતી કે જો લોકો સામાજિક અંતરના પગલાંનો ભંગ કરશે તો લોકોનો બહાર કસરત કરવાનો અધિકાર પણ રદ કરશે. વડા પ્રધાનના પ્રવક્તાએ પણ જણાવ્યુ હતુ કે જાહેરમાં સૂર્યસ્નાન કરવાની મંજૂરી નથી માત્ર આવશ્યક હિલચાલને મંજૂરી આપવામાં આવી છે.
કોરોનાવાયરસથી કુલ મરણ અને દર્દીઓની સંખ્યા
વિસ્તાર | મરણ | કુસ કેસ |
લંડન: | 1353 | 11978 |
મિડલેન્ડ્સ: | 979 | 6913 |
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ: | 509 | 4826 |
ઇસ્ટ ઇંગ્લેંડ: | 418 | 3150 |
નોર્થ ઇસ્ટ અને યોર્કશાયર: | 545 | 4969 |
સ્કોટલેન્ડ: | 220 | 3961 |
સાઉથ ઇસ્ટ ઇંગ્લેંડ: | 467 | 4576 |
સાઉથ વેસ્ટ ઇંગ્લેંડ: | 223 | 1827 |
વેલ્સ: | 193 | 3499 |
નોર્ધર્ન આયર્લેન્ડ: | 63 | 1158 |
કુલ | 6227 | 51608 |