કોરોના વાયરસના કારણે હોસ્પિટલ્સ અને કેર હોમ્સમાં કામ કરતા ડોક્ટર્સ, નર્સીસ, અન્ય સ્ટાફ, કી વર્કર્સ, સેલ્ફ આઇસોલેશન ભોગવતા પરિવારો અને ઉંમર લાયક વડિલો ભોજન અને રોજબરોજની અન્ય ચીજો માટે તકલીફો ભોગવી રહ્યા છે ત્યારે ભારતીય અને એશિયન સમુદાયે સેવાનુ સુકાન સંભાળી લીધુ છે અને આવા લોકોને ભોજનથી માંડીને રોજબરોજ માટે ઉપયોગી એવી ચીજ વસ્તુઓ પહોંચાડી રહ્યા છે. અમુક સંગઠનો શોપીંગમાં પણ મદદ કરી રહ્યા છે તો અમુક સંસ્થાઓ વડિલો સાથે સતત સંપર્કમાં રહી તેમની જરૂરીયાતોનો ખ્યાલ રાખી રહી છે. એશિયન બિઝનેસીસે પણ મદદ કરવામાં પાછી પાની કરી નથી અને સૌ કોઇ પોતાનાથી બનતી બધી જ મદદ કરી રહ્યા છે.

ગરવી ગુજરાત દ્વારા આવી કેટલીક સંસ્થાઓ અને બિઝનેસીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મોટાભાગના લોકોએ અમે અમારી ફરજ સમજીને સેવાભાવનાથી બધી જ સેવા કરીએ છીએ તેમ જણાવી કોઇ પણ પ્રકારની પ્રસિધ્ધીનો ઇન્કાર કર્યો હતો. પરંતુ અન્ય લોકોને પ્રેરણા મળે અને ભારતીય – એશિયન સમુદાય પણ દેશ પર આવી પડેલી આ આફતમાં સેવા કરવામાં પાછળ નથી તે દર્શાવવાની ભાવનાથી  આ અહેવાલ પ્રસ્તુત કરાયો છે.

રાહત દરે ભોજન પૂરુ પાડતા જલસા ફૂડના ધિરજભાઇ કોટેચા

નોર્થ વેસ્ટ લંડનના સડબરી ખાતે જલસા સ્વીટ અને સોવરી તેમ જ જલસા ફૂડના નામથી ફરસાણ અને કેટરીંગનો વેપાર કરતા ધિરજભાઇ કોટેચા કેટલીક સામાજીક સંસ્થાઓને તૈયાર દાળ, ભાત અને શાક જેવુ હળવુ ભોજન અડધા ભાવે એટલે કે પ્રતિ પેક માત્ર દોઢ પાઉન્ડમાં પૂરૂ પાડે છે. આ સંસ્થઓ તે ભોજન કેરહોમ્સ, નોર્થવિક પાર્ક અને સેન્ટ્રલ મિડલ સેક્સ હોસ્પિટલના નર્સીસ, ડોક્ટર્સ અને અન્ય સપોર્ટીંગ સ્ટાફને પહોંચાડે છે. ધિરજભાઇ જણાવે છે કે ‘’કેટલીક સંસ્થાઓ રાતભર સેવા આપતા મેડિકેસને પણ ભોજન પહોંચાડે છે. મેડિક્સે વિનંતી કરી હતી કે તેઓ કામના ભરપૂર દબાણ અને આરોગ્યને લક્ષમાં લઇને ભરપેટ ખાઇ શકતા નથી. આવા સંજોગોમાં તેમને દાળ, ભાત અને શાક જેવુ હળવુ અને ગરમ કરીને ખાઇ શકાય તેવુ ‘રેડી ટી ઇટ’ ભોજન પૂરૂ પાડવામાં આવે છે. અમે સેવા કાર્યો માટે અપાતા આવા લંચ કે ડીનર પેકેટ્સના માત્ર ગ્રોસરી અને સ્ટાફના વેજીસના જ ચાર્જ લઇએ છીએ.’’

કાઉન્સિલર અંજનાબેન પટેલે જણાવ્યુ હતુ કે ‘’આવા કટોકટીના અને તકલીફના સમયે સરકાર એકલી બધુ જ કરી ન શકે. આવા સમયે આપણે વ્યક્તિગત રીતે અને સામાજીક સંગઠનોએ સાથે મળીને સેવા કરવી જોઇએ. હોસ્પિટલ સ્ટાફ, કી વર્કર્સ અને આપણા સમાજના વૃધ્ધોને મદદ કરવી તેમને ભોજન અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવી તે આપણી નૈતિક અને સામાજીક ફરજ છે.’’

લેસ્ટરની પીપલ એન્ટરપ્રાઇઝની વેજીટેરિયન ફ્રી મીલ સર્વિસ

લેસ્ટરની પીપલ એન્ટરપ્રાઇઝ (સેન્ટર), ઓર્ચાર્ડસન એવન્યુ, LE4 6DP ના ચેરમેન અનિલ ભાનોટે જણાવ્યુ હતુ કે ‘’સંસ્થા દ્વારા લેસ્ટરમાં સમાજના વડિલ અને અસક્ષમ લોકો, એનએચએસ અને કી વર્કર માટે વેજીટેરિયન ફ્રી મીલ સર્વિસ તા. 30મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. જે સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ ચાલશે. શકાહારી ભોજનની 3 માઇલના વિસ્તારમાં સાંજે 6 પછી મફત ડીલીવરી કરવામાં આવશે અને બપોરે 2થી સાંજના 6 દરમિયાન જાતે કલેક્શન પણ કરી શકાશે. આ માટે અગાઉથી બપોરે 12 વાગ્યા પહેલા ઓર્ડર આપવો જરૂરી છે. આપના 3 દિવસના ભોજનનો ઓર્ડર એક જ સમયે કરી શકાશે. ભોજન તાજુ રાંધવામાં આવેલુ છે અને તેને લાંબો સમય ચાલી શકે તે આશયે ચીલ્ડ કરીને આપવામાં આવશે. સંપર્ક: 0116 261 6000 અથવા ઇમેઇલ [email protected]

સેવા ડે દ્વારા ‘હેલ્પ અ નેઇબર કેમ્પેઇન’

સેવા ડે દ્વારા હેલ્પ અ નેઇબર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યુ છે. દરેકને સાથે રહીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી જરૂરિયાતના સમયે એક બીજાને મદદ કરવાનો અભિગમ અપનાવી પેનીક બાઇંગને રોકવામાં આવી રહ્યુ છે. સેવા ડે દ્વારા ખરેખર જરૂરિયાતવાળા લોકોને, વાયરસને લીધે એકાંતમાં હોય તેમને અને નિર્દોષ વૃધ્ધોને માલસામાન જોઇતો હોય તો તેની અથવા તૈયાર ભોજન પહોંચાડી મદદ કરવામાં આવે છે. મદદ જોઇતી હોય તેમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર sewadayનો અથવા ઇમેઇલ [email protected] ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

‘કોવિડ-19 રીસ્પોન્સ કિચન’ની ટિફીન સેવા

હેરોના દક્ષાબેન વરસાણી અને તેમના 20-25 સાથીદારો દ્વારા કોવિડ-19 રીસ્પોન્સ કિચન નામની સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે. જેઓ હોસ્પિટલ સ્ટાફ, કી વર્કર, આઇસોલેટ થયેલા લોકો અને વૃધ્ધો અને વિદ્યાર્થીઓને રોજના 1500 ટીફીન પૂરા પાડે છે. દક્ષાબેનને ઇલીંગ રોડ પર આવેલા ‘દેશી ધાબા રેસ્ટોરંટ’ના સંચાલકો  મોનાબેન અને ચીંતનભાઇ પંડ્યા તરફથી તેમના રેસ્ટોરંટના કિચનની સગવડ કોઇજ ચાર્જ વગર આપવામાં આવી છે. જ્યાં લોકો દ્વારા દાન કરાયેલા ચોખા, શાક, લોટ, મસાલા વગેરેમાંથી વોલંટીયર્સ દ્વારા રસોઇ બનાવાય છે. આ રસોઇને જરૂર મુજબ લોકોને આલ્પર્ટન, પેરિવેલ, ગ્રીનફર્ડ, હેરો, પીનર, વેમ્બલી અને ક્યારેક ઇસ્ટ લંડન સુધી પહોંચાડવામાં આવે છે.

દક્ષાબેન અને તેમના ગૃપને માઉન્ટ પ્લેઝન્ટ સ્થિત KSL હોલના સચાલકો અને હોલના ડાયરેક્ટર કેતન પટેલ તરફથી હોલ આપવામાં આવ્યો છે. સુરતી પટેલ સમુદાયના અથીયા સમાજ દ્વારા કોઇ જ ચાર્જ વગર આપવામાં આવેલા આ વિશાળ હોલમાં ટિફીન અને ગ્રોસરી બેગ પેક કરવામાં આવે છે. આ હોલમાં ફૂડ બેન્ક પણ બનાવવામાં આવી છે જ્યાંથી જરૂર પડે તેમ લોકોને ગ્રોસરી પણ આપવામાં આવે છે. સંપર્ક: 07939 924 968.

બ્રિટીશ બાંગ્લાદેશી કેટરર્સ એસેસિએશન દ્વારા દેશવ્યાપી મદદ

બ્રિટીશ બાંગ્લાદેશી કેટરર્સ એસેસિએશનના પ્રમુખ અને હેચ એન્ડમાં કોરીએન્ડર રેસ્ટોરંટ ચલાવતા સલીમ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ‘’અમારા એસોસિએશનની મદદથી અમે દેશભરમાં આવેલા અમારા 57 મેમ્બર્સ રેસ્ટોરંટ દ્વારા NHS મેડિક્સને 25થી 50 ટકા ડિસ્કાઉન્ટ આપીને જમાડીએ છીએ. અમે નોર્થ વેસ્ટ લંડન વિસ્તારમા NHS સ્ટાફ, 70 વર્ષ કરતા મોટી વયના વડિલો, આઇસોલેટ થયેલા લોકોને કોઇપણ ચાર્જ વગર ટીફીન સેવા આપીએ છીએ. સંપર્ક: 020 8428 8166