એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સને આદેશ આપતા કહ્યું છે કે તેઓ 4 મે માટે ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે કેમ કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ક્યારથી શરૂ થશે તે માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનને વધારીને 3 મે સુધી કરી દીધું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીના ટ્વિટ પછી પણ તમામ એરલાઈન્સે 4 મેથી કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ટિકિટોની બૂકિંગની સુવિધાઓ જારી રાખી હતી પરંતુ હવે ડીજીસીએ તરફથી સર્ક્યુલર જારી કરીને આ બૂકિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ડીજીસીએ તરફથી રવિવારે સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલરમાં જણાવ્યા પ્રમાણે તમામ એરલાઈન્સને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે. હવાઈ સેવાઓ ક્યારથી શરૂ થશે તે અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે. આગામી આદેશ સુધી ટિકિટોનું બૂકિંગ બંધ રહેશે. વિસ્તારા અને એર એશિયાએ રવિવારે કહ્યું હતું કે ઉડ્ડયન મંત્રાલય તરફથી કોઈ નોટિસ મળી નથી.
તમામ ભારતીય એરલાઈન્સ 4 મેથી કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ માટે ટિકિટ બૂકિંગ કરી રહી છે.હરદીપ સિંહ પુરીએ શનિવારે રાત્રે ટ્વિટ કરીને તમામ એરલાઈન્સને અપીલ કરી હતી કે જ્યાં સુધી તેઓ આ મામલે સરકાર આદેશ જારી કરતી નથી ત્યાં સુધી ટિકિટ બૂકિંગ બંધ કરી દે. વિસ્તારાના પ્રવક્તાએ કહ્યું હતું કે હજી સુધી અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની નોટિસની રાહ જોઈ રહ્યા છીએ.
જૂની નોટિસના આધારે 3 મે સુધી તમામ સેવાઓ બંધ છે. એક વખત મંત્રાલય તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવશે તો અમે તે મુજબ આગળનો નિર્ણય લેશે. એર એશિયાના પ્રવક્તાએ પણ કહ્યું છે કે ડીજીસીએ અથવા મિનિસ્ટ્રી અને સિવિલ એવિએશન તરફથી હજી સુધી કોઈ નોટિસ મળી નથી.