બ્રિટનના રોજિંદા કોરોનાવાયરસથી થતા મૃત્યુનો આંક 37% જેટલો નીચે ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 616 લોકોના મોત નિપજ્યા હોવાની જાહેરાત કરાઇ હતી જે સાથે બ્રિટનમાં મૃત્યુની કુલ સંખ્યા 18,738 થઇ હતા. પાછલા બે દિવસ કરતા આજે મૃત્યુઆંક નોંધપાત્ર પ્રમાણમાં ઓછો હતા. બુધવારે 759 અને મંગળવારે 828 લોકોની જાનહાનિની ઘોષણા કરવામાં આવી હતી.
સ્કોટિશ ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જને આજે રોજિંદા બ્રીફિંગમા જણાવ્યુ હતુ કે તેમને અપેક્ષા નથી કે આ વર્ષે સ્થિતી સામાન્ય થાય. તેણીએ સંકેત આપ્યો હતો કે તે વ્હાઇટહોલની મંજૂરી વિના પ્રતિબંધ હળવા કરવા માટે તૈયાર છે. જેમાં શાળાના વર્ગો રીડીઝાઇન કરવા, અમુક બિઝનેસીસ ખોલવા સહિતના પગલા સૂચવ્યા છે. તેમણે સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવામાં આવશે અને લોકોના વિશાળ મેળાવડાને ‘કેટલાક મહિનાઓ આવવા’ દેવામાં આવશે નહીં તેમ જણાવ્યુ હતુ. બીજી તરફ હેનકોક હાલમાં લોકડાઉનને હળવુ કરવાના મતના નથી.
સરકાર મૃત્યુને 20,000ની નીચે રાખવાની આશા રાખે છે પરંતુ રવિવાર સુધીમાં તે આંકને આંબી જશે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,583 લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. જે સાથે કુલ પોઝીટીવ લોકોનો આંક 138,078 થયો છે. પોઝીટીવ જાહેર થયેલા લોકોની સંખ્યા આ અઠવાડિયામાં સ્થિર રહી હતી.
એનએચએસ ઇંગ્લેન્ડે છેલ્લા 24 કલાકમાં 514 લોકોનાં અને સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં બીજા 102 લોકોના મૃત્યુ થયા હોવાની ઘોષણા કરવામાં આવી છે. બ્રિટનમાં સૌથી ખરાબ નીવડેલા દિવસ તા. 10 એપ્રિલના રોજ 980 લોકોના મોત સામે આજે મોતની સંખ્યામાં 37 ટકાનો ઘટાડો થયો હતો.
એનએચએસ ઇંગ્લેન્ડે આજે જાહેરાત કરી કે તેની હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા 514 દર્દીઓ 31થી 100 વર્ષની વયના હતા. જેમાંથી સોળ લોકોને કોરોનાવાયરસ થતા પહેલા કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ન હતી. જેમાંથી સૌથી નાના દર્દીના વય 37 હતી.
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે તા. 23ની રાત્રે કહ્યું હતું કે તેઓ આગલા બે અઠવાડિયા સુધી કોવિડ-19ની મૃત્યુ સંખ્યા સમાન રહેશે પરંતુ તે પછી ‘ઝડપથી’ મૃતકોની સંખ્યા નીચે આવશે. હાલના ડેટા મુજબ કેર હોમ્સમાં મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંશોધનમાં જાણવા મળ્યું છે કે અડધા મૃત્યુ નર્સિંગ હોમ્સમાં થઈ રહ્યા છે. તેથી યુકેના મૃત્યુની સંખ્યામાં વધારો થવાનો સંકેત છે. બ્રિટનમાં કોરોનાવાયરસના ચેપનો દર ઘટતા જ લોકડાઉનને હળવુ કરાશે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું ‘’જે પુરુષો કોવિડ-19થી મૃત્યુ પામે છે તેઓ તેમના જીવનના સરેરાશ 13 વર્ષ ગુમાવે છે જ્યારે મહિલાઓએ 11 વર્ષ ગુમાવે છે. કોરોનાવાયરસે હૃદય રોગની તુલનામાં વિનાશક અસર કરી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ યુકેમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 75થી 84 વર્ષની વચ્ચેના છે.