લેબર પાર્ટીએ બ્રિટનમાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) પૃષ્ઠભૂમિના લોકો પર કોરોનાવાયરસની અપ્રમાણસર અસર કેમ થઇ રહી છે તેની સમીક્ષા કરવાની ઘોષણા કરી છે. જેમાં શિખ અને મુસ્લિમોનો સમાવેશ કરાયો છે પરંતુ વિચિત્ર રીતે હિન્દુઓને આ રાઉન્ડટેબલ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
લેબર પક્ષના નેતા સર કૈર સ્ટાર્મરે મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન, ઑપરેશન બ્લેક વોટ, શીખ ફેડરેશન (યુકે), શીખ નેટવર્ક અને જ્યુઇશ મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓને શુક્રવાર તા. 24ના રોજ યોજવામાં આ સમીક્ષાની શરૂઆત કરતી તેની ડિજિટલ રાઉન્ડ ટેબલ સમીક્ષામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ બ્રિટનમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી બે સૌથી મોટી અંબ્રેલા બોડી હિંદુ ફોરમ ઑફ બ્રિટન અને હિન્દુ કાઉન્સિલ યુકેને તેમાં આમંત્રણ અપાયું ન હોવાની બન્ને સંસ્થાઓએ પુષ્ટિ કરી હોવાનુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયુ હતુ.
આ મુદ્દા પર ચર્ચા કરવા માટે યોજાયેલી ડિજિટલ રાઉન્ડટેબલમાં લેબર નેતા કેર સ્ટાર્મર, લેબરના શેડો સેક્રેટરી ફોર ધ સ્ટેટ ઑફ વિમેન એન્ડ ઇક્વિલિટીઝ, મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના હરૂન ખાન, ઓપરેશન બ્લેક વોટના લોર્ડ સાયમન વૂલી, આરસીએનના ઉપ પ્રમુખ યોવોન કોગિલ, શીખ નેટવર્કના જસ ખટકર, જ્યુઇશ મેડિકલ એસોસિએશનના પ્રો. ડેવિડ કેટઝ અને બ્રિટીશ મેડિકલ એસોસિએશનની કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા ઘણા લોકો વચ્ચે સમજૂતી થઈ હતી કે, BAME સમુદાયની ચિંતાઓને પહોંચી વળવા અને પગલાં લેવા સરકાર ઉપર દબાણ લાવવું જરૂરી છે. હત્યા કરાયેલ શ્યામ કિશોર સ્ટીફન લોરેન્સની માતા અને લેબર પક્ષના રેસ રીલેશન્સના સલાહકાર બેરોનેસ ડોરેન લોરેન્સની અધ્યક્ષતામાં લેબર પાર્ટી દ્વારા આ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ અગાઉ યુકેની સરકારે પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ અને એનએચએસના નેતૃત્વ હેઠળ BAME સમુદાયો પર કોરોનાવાયરસની અસરની સમીક્ષાની ઘોષણા કરી છે.
સરકારને ટેકો આપવાને બદલે શા માટે તમે તેની હરીફાઇ કરતી સમીક્ષા શરૂ કરી છે તેવા સવાલના જવાબમાં સર કીથે બીબીસીને કહ્યું હતુ કે “અમે સરકાર સાથે કામ કરવા ખુશ છીએ પરંતુ અમે સીધો જ પ્રતિનિધિ જૂથોનો જુદી જુદી રીતે સંપર્ક કર્યો છે અને અમે તેમને જ ફીડબેક આપીશુ.”
હિન્દુ કાઉન્સિલ યુ.કે.ના જનરલ સેક્રેટરી રજનીશ કશ્યપે જણાવ્યું હતું કે “જો તમે BAME અને ફ્રન્ટલાઈન વર્કર પર કોવિડ-19 ના પ્રભાવ વિશે ચર્ચા કરી રહ્યા હો ત્યારે તમને નથી લાગતું કે તમારે હિન્દુઓને પણ તેમાં આમંત્રણ આપવું જોઈએ? હિન્દુ પ્રોફેશનલ્સ પણ મોટી સંખ્યામાં ફ્રન્ટલાઈન જોબ્સમાં કામ કરી રહ્યા છે. અમે ખરેખર નિરાશ થયા છીએ.”
હિન્દુ કાઉન્સિલ યુ.કે.ના ઇન્ટરફેથ રિલેશનના ડિરેક્ટર અનિલ ભનોતે ઉમેર્યું હતુ કે “આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે. અમે પણ BAME સમુદાયનો ભાગ છીએ. ઘણા હિન્દુ ડોકટરો એનએચએસમાં કામ કરે છે અને ડોકટરો સહિત ઘણાં હિન્દુઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે. અમે આશા રાખીએ છીએ કે કૈર સ્ટાર્મરના વડપણ હેઠળ બધુ બદલાશે પરંતુ હવે એવું લાગે છે કે તેઓ તેમના પૂરોગામી જેરેમી કોર્બીનની જેમ જ પાર્ટીની હાર્ડ લેફ્ટ વિંગ અને તેમણે નિમેલી શેડો કેબિનેટના દબાણ હેઠળ ભારત વિરોધી અને ઇસ્લામ તરફી વલણ અપનાવી રહ્યા છે. કોર્બીનને લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. યુકેમાં એકતા માટે ફેઇથ ગૃપ્સ સખત મહેનત કરી રહ્યા છે ત્યારે હવે આપણે જોઈ રહ્યા છીએ કે લેબર રાજકારણીઓ આપણને વિભાજીત કરે છે.”
યુકેની 2011ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ 817,000 લોકોએ પોતાને હિન્દુ તરીકે ઓળખાવ્યા હતા. તા. 21 સુધીમાં 492 ભારતીય મૂળના લોકો બ્રિટનમાં કોવિડ-19 ના કારણે મૃત્યુ પામ્યા હતા. જે આંકડો યુકેમાં કોવિડ-19ના કારણે મોતને ભેટનાર એથનિક લોકોમાં સૌથી મોટો હતો અને યુકેમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકો પૈકી 3% જેટલો હતો.
ઇંટેન્સિવ કેર નેશનલ ઑડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ BAME સમુદાય યુ.કે.ની વસ્તીના માત્ર 13% જેટલો હોવા છતાં. કોવિડ-19ના લગભગ 2,000 ગંભીર બીમાર દર્દીઓમાંથી 35% BAME બેકગ્રાઉન્ડના હતા. સૌથી ગંભીર કેસ ધરાવતા લોકોમાં 14 ટકા એશિયન અને તેટલુ જ પ્રમાણ શ્યામ લોકોનુ હતું. ધ ટાઇમ્સના અહેવાલ મુજબ શ્યામ લોકો તેમના શ્વેત સમકક્ષ કરતા બમણા દરે ઇંગ્લિશ હોસ્પિટલોમાં મરી રહ્યા છે.














