બોલિવુડના સૌથી દિગ્ગજ કપૂર ખાનદાનમાંથી આવતા મહાન અભિનેતા ઋષિ કપૂર હવે આ દુનિયામાં નથી રહ્યા. આશરે પાંચ દસકાથી પણ વધારે સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ બની ચુકેલા ઋષિ કપૂરે ફિલ્મ ‘બોબી’ દ્વારા લીડ એક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
કારકિર્દી દરમિયાન તેમણે અનેક રોલ ભજવ્યા હતા અને લગભગ તમામ રોલમાં કમાલનો અભિનય કરીને દર્શકોની દિલ જીતી લીધા હતા પરંતુ શું તમે જાણો છો કે, તેમની પહેલી ફિલ્મ બોબી નહીં પરંતુ પિતા રાજ કપૂર સાથેની ‘શ્રી 420’ હતી?
એક વખત ઋષિ કપૂરે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો અને કઈ રીતે નરગિસે તેમને રોલ ભજવવા માટે મનાવ્યા હતા તેમ જણાવ્યું હતું. ઋષિ કપૂર શ્રી 420 ફિલ્મના એક ગીત ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ’માં જોવા મળ્યા હતા. આ ગીતમાં રાજ અને નરગિસની પાછળ વરસાદમાં જે ત્રણ બાળકો ચાલી રહ્યા છે તેમાંથી એક ઋષિ કપૂર હતા.
તે સમયે ઋષિની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી અને નરગિસે તેમને ચોકલેટની લાલચ આપીને તે ગીતમાં સામેલ કર્યા હતા. ઋષિને તેમના મોટા ભાઈ અને બહેન પણ તે શોટમાં છે અને શોટ વખતે વરસાદમાં ચાલવાનું છે તેવું જણાવવામાં આવ્યું હતું.
તે સમયે જ્યારે પણ ઋષિ પર પાણી પડે તેઓ રડવા લાગતા હતા જેથી શૂટિંગમાં અડચણ આવી રહી હતી. આખરે નરગિસે ઋષિને જો તે શોટ દરમિયાન પોતાની આંખો ખુલ્લી રાખશે અને રડશે નહીં તો પોતે ચોકલેટ આપશે તેવી લાલચ આપીને શોટ માટે તૈયાર કર્યા હતા. ત્યાર બાદ ઋષિએ ફક્ત ચોકલેટ મેળવવા માટે પોતાની આંખો ખુલ્લી રાખી હતી અને તે તેમનો પહેલો શોટ હતો.
ત્યાર બાદ ઋષિ ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રાજ કપૂરના પાત્રનો યંગ રોલ ભજવતા જોવા મળ્યા હતા. 1970માં રીલિઝ થયેલી તે ફિલ્મ માટે તેઓ ઘરમાં ભોજન કરી રહ્યા હતા તે સમયે રાજ કપૂરે તેમની માતા કૃષ્ણાને વાત કરી હતી. તે સમયે પોતાને ફિલ્મમાં લેવામાં આવશે તે વાતથી ઋષિ ઉત્સાહિત થઈ ગયા હતા પરંતુ તેમની માતાને તેમના અભ્યાસને અસર થશે તેની ચિંતા હતી.
આ તરફ માતા-પિતા વાત કરી રહ્યા હતા તે સમયે ઉત્સાહિત ઋષિએ રૂમમાં જઈને એક ફુલ શીટ પર ઓટોગ્રાફની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. ફિલ્મી કારકિર્દી દરમિયાન ઋષિએ બોબી, પ્રેમરોગ, કભી કભી, લૈલા મજનૂ, ફના અને 102 નોટ આઉટ સહિત અનેક ફિલ્મોમાં દમદાર અભિનય કરીને પોતાની આગવી છાપ છોડી હતી.