કોરોના-લોકડાઉનનાં કારણે ગલ્ફ સહીત વિશ્વના અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા કેન્દ્રની મોદી સરકારે એક જબરજસ્ત એર-લીફટ પ્લાન તૈયાર કર્યો છે અને આગામી મહિને તેનો પ્રારંભ થશે. ગલ્ફ-દક્ષિણ પુર્વ એશીયા અને યુરોપમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા મોદી સરકારે એર ઈન્ડીયા સહીત દેશની તમામ એરલાઈન્સ તથા હવાઈ દળના 500 વિમાનનાં કાફલાને તથા નૌકાદળનાં બે જહાજને સ્ટેન્ડ-ટુ રહેવા આદેશ આપી દીધો છે.

હાલ આ 24 દેશોમાં ભારતીય દુતાવાસે અહી રોજગાર વ્યાપાર-શિક્ષણ કે પ્રવાસન કોઈપણ હેતુ માટે આવેલા અને જેઓ હવાઈ સેવા બંધ થવાથી જે તે દેશમાં ફસાઈ ગયા છે તેઓને પરત લાવવા માટે એક યાદી અને પાસપોર્ટ સહીતના ડેટા એકત્ર કરી રહ્યું છે.

ખાસ કરીને સાઉદી અરેબીયા-દુબઈ-અબુધાબી-શારજાહ-કૂવૈત સહીતના ગલ્ફના દેશમાં કોરોના-લોકડાઉન અને વણસતી જતી આર્થિક હાલત-ક્રુડતેલનાં ભાવ જે રીતે તળીયે ગયા છે તેના કારણે હજારો ભારતીયો રોજગાર વિહોણા થઈ ગયા છે તો રશીયા અને મધ્ય એશીયાનાં દેશોમાં શિક્ષણ માટે ગયેલા વિદ્યાર્થીઓ કોરોના-લોકડાઉનના કારણે નાણાકીય સહીતની આફતમાં ફસાયા છે.

આ ઉપરાંત બ્રિટન-અમેરિકા-ઈરાન અને અન્ય દેશોમાં પણ હજારો ભારતીયો ફસાયા છે. આ રીતે વિદેશમાં અંદાજે 25 લાખ ભારતીયો હાલ ફસાયા છે અને તેઓને પરત લાવવા એક ભગીરથ કાર્ય છે. તેથી જ મોદી સરકારે દેશના તમામ હવાઈ સેવાનો ઉપયોગ કરવાની તૈયારી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગલ્ફનાં દેશમાં ફસાયેલા બ્લુ-કોલર-લોકો-નાના કામદારો જેઓ બાંધકામ સહિતના ઉદ્યોગોમાં છે તેઓને પ્રાથમિકતા આપવા સુચના આપી છે. આ વિશ્વનું સૌથી મોટુ એરલીફટ-ઓપરેશન પણ બની શકે છે.

આ તમામ જેઓ વિદેશથી પરત આવશે તેઓને 14 દિવસના કવોરન્ટાઈનમાં રહેવુ પડશે અને સરકારે જે તે રાજય સરકારોને આ માટે સુવિધા માટે તૈયાર કરવા પણ જણાવ્યું છે કેરાળા કે જેના લાખો નાગરીકો ગલ્ફના દેશોમાં છે તેણે રાજયભરમાં સ્ટેડીયમ રીસોર્ટ-હોસ્ટેલ અને અન્ય જાહેર ખાનગી ઈમારતો હસ્તગત કરીને તેમાં હજારો લોકોને કવોરન્ટાઈનમા રાખવા માટેની તૈયારી કરી છે.

કેન્દ્ર આ માટેની ક્ષમતા અને પ્રવાસીઓનાં આગમન વચ્ચે પણ તાલમેલ કરવા એરપોર્ટ પર ભીડ સર્જાય નહિં તથા કવોરન્ટાઈનમાં લોકોને રાખવા માટેની ભોજન સહીતની સુવિધાઓ ઉભી કરવા પણ રાજયોને સુચના આપી છે. ગલ્ફના દેશમાં મોટી સંખ્યામાં ભારતીયોએ રોજગાર ગુમાવી છે.જે સ્વદેશ પરત આવતા તે પણ એક નવી સમસ્યાનો સામનો કરવો પડશે.