બોલિવૂડ દિગ્ગજ એક્ટર ઋષી કપૂરનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ ગયા ત્રણ વર્ષથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. બોલિવૂડ એક્ટર અમિતભ બચ્ચને ટ્વીટ કરીને ઋષી કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે. બીગ બીએ લખ્યું કે, ઋષિ કપૂરનું અવસાન થયું છે. હું ભાંગી ગયો છું.

અમિતભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું છે છે કે, તેઓ ગયા…..ઋષી કપૂર જતા રહ્યા….હાલમાં જ તેમનું નિધન થયું છે….હું તૂટી ગયો છું. બુધવારે રાત્રે અચાનક તબિયત ખરાબ થતા તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.

ઋષી કપૂર અમેરિકામાં લગભગ એક વર્ષ સારવાર કરાવીને સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હીમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દિલ્હીમાં કોઈ ફેમિલી ફંક્શનમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમને કોઈ ઈન્ફેક્શન થયું હતું. મુંબઈ પરત ફર્યા બાદ તેમને વાયરલ ફીવરને કારણે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

2018થી ઋષિ કપૂર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ગઈકાલે પણ બૉલિવૂડના જગતના સ્ટાર કલાકાર ઈરફાન ખાનના નિધન બાદ આજે ઋષિ કપૂરના નિધનથી બૉલીવુડ હસ્તીઓ શોકમાં આવી ગઈ હતી.ઋષિ કપૂરે બાળ કલાકાર તરીકે શ્રી 420માં સૌપ્રથમ કામ કર્યું હતું.

ફિલ્મોમાં તેમનું આ સૌપ્રથમ પદાર્પણ રહ્યું હતું અને રાજ કપૂરની આ આઈકોનિક ફિલ્મના એક ગીત ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’માં ઋષિ કપૂર જોવા મળ્યા હતા. ત્યારબાદ 1973માં આવેલી મેરા નામ જોકરમાં પણ તેમની ભૂમિકા હતી. ત્રણ દાયકા સુધી ઋષિ કપૂરે રોમેન્ટિક હીરો તરીકે પોતાની છાપ છોડી હતી. તેમની કેટલીક રોમેન્ટિક ફિલ્મોમાં લૈલા મજનૂ, ચાંદની, રફૂ ચક્કર, કર્ઝ, હીના અને સાગરનો સમાવેશ થાય છે.

અભિનેતાએ બોલિવૂડમાં તેમની સેકન્ડ ઈનિંગમાં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. અગ્નિપથ, દો દુની ચાર, ડી ડે તેમજ કપૂર એન્ડ સન્સ સહિતની ફિલ્મોમાં તેઓએ વિવિધ પાત્રો ભજવ્યા હતા. ઋષિ કપૂર તેમની પાછળ પત્ની નીતૂ કપૂર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રીધિમા કપૂરને વિલાપ કરતા છોડી ગયા છે.

પરિવારજનોએ એક સંદેશમાં જણાવ્યું છે કે ઋષિ કપૂર હંમેશા હસમુખ રહ્યા હતા અને તેમણે અંતિમ સમયે પણ હોસ્પિટલમાં લોકોનું મનોરંજન કર્યું હતું. તેઓ તેમના ચાહકોનું ખૂબ સન્માન કરતા હતા. આ હસમુખો ચહેરો હવે આપણા વચ્ચેથી જતો રહ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા મોટાપાયે એકત્ર થવા પર પ્રતિબંધ છે જેથી અમે તમામ મિત્રો, પરિવારજનો તેમજ ફેન્સને વિનંતી કરીએ છીએ કે કડક નિયમોનું પાલન કરે.