અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ૨૫૦૨ મોત નોંધાયા છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પુરા પાડવામાં આવતા આંકડામાં આ વિગત રજૂ થઈ હતી. બીજી તરફ અમેરિકાના ૫૦માંથી ૩૫ રાજ્યોને રિ-ઓપન કરવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકામાં કેસની સંખ્યા વધીને ૧૦.૬૯ લાખ થઈ ગઈ છે, જ્યારે મોત ૬૨ હજારથી વધારે નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કેસ ૩૨.૫૬ લાખથી વધારે અને મૃત્યુ ૨.૩૦ લાખથી વધારે નોંધાયા છે. ૧૦.૨૮ લાખ દરદી સાજા થયા છે.
ટ્રમ્પ સહિત વિશ્વના ઘણા નેતાઓ આ વાઈરસ ચીને લેબોરેટરીમાં તૈયાર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક નિષ્ણાતોએ વાઈરસ ચીનનું બાયોલોજિકલ વેપન્સ (જૈવિક હથિયાર) હોવાનો આક્ષેપ પણ કર્યા છે. એ વચ્ચે અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીએ કહ્યું હતું કે આ વાઈરસ માનવનિર્મિત હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. એ દિશામાં તપાસ જોકે ચાલી રહી છે. અમેરિકી ઈન્ટેલિજન્સના ડિરેક્ટરે કહ્યું હતુ કે હજુ સુધી આ વાઈરસ કોઈએ તૈયાર કર્યો હોય એવા પુરાવા મળ્યા નથી. અમે પણ એમ જ માનીને ચાલીએ છીએ કે વાઈરસ કુદરતી રીતે ઉત્પન્ન થયેલો છે. તો પણ વાઈરસના મૂળની તપાસ ચાલુ જ છે.
અમેરિકાના કોરોનાગ્રસ્ત ૫૦ પૈકી ૩૫ રાજ્યો ફરીથી ખુલવા માટે તૈયાર છે. એ અંગેનો પ્લાન ટ્રમ્પ પાસે આવ્યો હતો અને ટ્રમ્પે મંજૂર કર્યો છે. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે હવે કપરો સમય પુરો થવામાં છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતુ કે આપણે અદૃશ્ય દુશ્મન સામે લડી રહ્યા છીએ અને તેને ટૂંકમાં ખતમ કરી નાખીશું.
અમેરિકામાં કોરોના ભથ્થુ માંગનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ગયા અઠવાડિયે બીજાં ૩૮ લાખ લોકોએ કોરોના ભથ્થાં માટે સરકારમાં અરજી કરી હતી. અત્યાર સુધીમાં કુલ ૩ કરોડ નાગરિકોએ અરજી કરી છે. બીજી તરફ યુરોપના અર્થતંત્રમાં ૧૯૯૫ પછીનો સૌથી મોટો ૩.૮ ટકાનો ઘટાડો પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયો હતો. યુરોપના ૪૪ પૈકી ૨૧ દેશોએ કોરોના માટે મુકેલા લૉકડાઉન સહિતના નિયંત્રણો હળવા કરી દીધા છે. તો બીજા ૧૧ દેશો આગામી દિવસોમાં નિયંત્રણો હટાવવાની પેરવીમાં છે.