બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સાત વર્ષના બાળક સહિત 227 લોકોના મરણ થયા હોવાની ઘોષણા કરવામાં આવી હતી. એક અઠવાડિયા અગાઉ મૃતકોની સંખ્યા 627 હતી. તે જોતા મૃતકોની સંખ્યામાં 64 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ મોતને ભેટનારા લોકોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. બીજી તરફ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) દ્વારા આજે જાહેર કરાયેલા ભયંકર આંકડા દર્શાવે છે કે બ્રિટનનો અત્યાર સુધીનો કોરોનાવાયરસનો વાસ્તવિક મૃત્યુઆંક ઓછામાં ઓછો 44,000 થયો છે. જે સરકારના સત્તાવાર મૃત્યુની સંખ્યા 35,023 કરતાં લગભગ 10,000 વધારે છે.
યુકેમાં જુદા જુદા વિશ્લેષણના આધારે મૃત્યુની સંખ્યા દર્શાવવામાં આવે છે, જે બતાવે છે કે યુકેમાં સરેરાશ કરતાં વધુ કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. માર્ચમાં કટોકટી અંકુશથી બહાર નીકળવાની શરૂઆત થઈ ત્યારથી યુકેમાં કુલ 55,000 લોકો મરણ પામ્યા છે. આરોગ્ય વિભાગ ગણતરીમાં ફક્ત એવા દર્દીઓનો સમાવેશ કરે છે જેમનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય. જ્યારે ઓએનએસ એવા દર્દીઓનો સમાવેશ કરે છે જેમનુ મૃત્યુ આ રોગથી થયુ હોવાની શંકા હતી.
એનએચએસ ઇંગ્લેન્ડે આજે તેની હોસ્પિટલોમાં વધુ 174 મોતની જાહેરાત કરી છે, જ્યારે સ્કોટલેન્ડે 29, વેલ્સે 17 અને નોર્ધન આયર્લેન્ડે સાત મૃત્યુ નોંધાયા હોવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ ગઈકાલે સોમવારે તા. 18ના રોજ 160 નવા મોતની ઘોષણા કરી હતી. જે વડા પ્રધાન બોરીસ જ્હોન્સને લોકડાઉનની ઘોષણા કરી તે તા. 24 માર્ચ પછીનો સૌથી નીચો આંક છે.
મોતને ભેટેલા 44,000 લોકો પૈકી 11,000થી વધુ પીડિતો ઇંગ્લેન્ડ અને વેલ્સના કેર હોમ નિવાસીઓ હતા. કેર હોમ્સમાં ચાલી રહેલી વર્તમાન કટોકટીનો અર્થ એ છે કે સરેરાશ વર્ષ કરતા વધુ લોકોના મૃત્યુ હજુ થઇ શકે છે. 2 માર્ચથી 1 મેની વચ્ચે, કેર હોમના 12,526 રહેવાસીઓ વાયરસને કારણે મૃત્યુ પામ્યા હતા જે સામાન્ય રીતે મરણ પામતા લોકો કરતા 25 ટકા વધારે હતા. કેર હોમ્સમાં તા. 2 મેથી 8 મે વચ્ચેના અઠવાડિયામાં 2 હજારથી વધુ ‘વધારે મૃત્યુ’ થયા હતા. આ બતાવે છે કે કોરોનાવાયરસનો ફેલાવો હવે મોટાભાગે મુખ્યત્વે કેર હોમ્સમાં જ રહે છે.
ઓએનએસ ડેટા દર્શાવે છે કે તા. 8 મે સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કેર હોમ્સમાં 9,980 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેર ક્વોલિટી કમિશન અને કેર ઇન્સ્પેકટરેટ વેલ્સના જણાવ્યા અનુસાર 8થી 15 મે વચ્ચે 1,411 લોકો મરણ પામ્યા હતા.
યુરોપમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ તરીકે બ્રિટન બન્યો છે. ઇટાલીમાં 32,000 લોકોનાં મોત નોંધાયા છે અને યુએસ 90,000 પીડિતો સાથે ટોચ પર છે. ગઈકાલે સરકારે કહ્યું હતું કે વાયરસના કારણે ઇંગ્લેન્ડની હૉસ્પિટલમાં હવે 10,000 કરતા ઓછા લોકો સારવાર હેઠળ છે.
કોવિડ-19ના કારણે એપ્રિલમાં ડિમેન્શીઆ, કેન્સર અને હૃદય રોગ કરતાં વધુ લોકોના મરણ થયા
કોરોનાવાયરસના કારણે એપ્રિલ માસમાં કેન્સર, ડીમેન્શીઆ અને હ્રદયરોગ કરતાં વધુ લોકોના મરણ થયા હતા એવા ચોંકાવનારા આંકડા ગયા અઠવાડિયે બહાર આવ્યા હતા. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) ના આંકડા દર્શાવે છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ 27,764 લોકો ગયા મહિને કોવિડ-19ના કારણે માર્યા ગયા હતા.
જેની તુલના કેન્સરના કારણે 10,316, ડિમેન્શિયાના લીધે 9,892, અને ઇસ્કેમિક હાર્ટ રોગોથી 4,053 લોકો મૃત્યુ પામ્યા હતા. ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને ડીમેન્શીયા જેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી મોટી સંખ્યામાં લોકો મરણ પામી રહ્યા છે.
- સરકારના ટેસ્ટનો ફિયાસ્કો અને કેર હોમને સુરક્ષિત રાખવામાં મળેલી નિષ્ફળતાને લીધે એક બીજા તરફ આંગળો ચીંધાઇ રહી છે. કેબિનેટ મંત્રી થેરેસે કોફીએ જણાવ્યું હતું કે ‘વૈજ્ઞાનિકોની સલાહ ખોટી હતી.
- ગ્રીસ બ્રિટિશ ટુરીસ્ટ માટે 14-દિવસીય ક્વોરેન્ટાઇન માફ કરનાર પ્રથમ દેશ બન્યો છે.
- ઇયાન ડંકન સ્મિથે બોરિસ જ્હોન્સનને ‘અર્થવ્યવસ્થાને આગળ વધારવા’ માટે બે મીટરની સામાજિક અંતરની મર્યાદાને છોડી દેવાની વિનંતી કરી છે.
- શિક્ષકોના યુનિયનોએ કામ પર પાછા આવતા પહેલા 169 વસ્તુઓની ખરીદીની યાદીમાં ‘બિન મેપ’, પેઇન્ટબ્રેશ અને ગ્લુ સ્ટીક ક્લિનિંગ વોર્ડનની માંગણી કરી છે
- લોકડાઉન પછી બેરોજગારી ભથ્થુ લેનારાઓની સંખ્યા 69% વધી છે. જે 856,500 જેટલી વધીને 2.1 મિલિયન થઈ છે.