ભારતમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 14,400થી વધુ થયો છે અને કુલ મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે ત્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે ભારતમાં પ્રતિ એક લાખની વસતીએ કોરોનાથી માત્ર એક વ્યક્તિનું મોત થાય છે અને ભારતમાં કોરોનાથી મૃત્યુદર સૌથી નીચો છે જ્યારે વિશ્વમાં કોરોનાનો મૃત્યુદર સરેરાશ 6.04 છે.
પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં મંગળવારે એક દિવસમાં 14,695 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 464નાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 4,46,787 થઈ છે જ્યારે મૃત્યુઆંક 14,471 થયો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના 2,47,748 દર્દી સાજા થઈ ગયા છે. ભારતમાં રિકવરી રેટ 57.68 ટકા છે.
ભારતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નહીં થયો હોવાના સરકારના દાવા વચ્ચે દિલ્હીમાં કોરોનાની સિૃથતિ સતત કથળી રહી છે. દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ એક દિવસમાં સૌથી વધુ 3,947 વધ્યા હતા. આ સાથે દિલ્હીમાં કોરોનાના કુલ 66,602 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2,301 થયો છે.
દેશમાં કોરોનાના કેસના સંદર્ભમાં દિલ્હી તમિલનાડુને પાછળ રાખીને બીજા ક્રમે પહોંચી ગયું છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસના સમયસર નિદાન, વ્યાપક કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અસરકારક ક્લિનિકલ મેનેજમેન્ટને પગલે કોરોનાનો મૃત્યુદર ઘણો જ નીચો છે. વધુમાં કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 57 ટકાથી વધુ થયો છે.
વિશ્વ આરોગ્ય સંસૃથાનો 22મી જૂને પ્રકાશિત 154મા સિૃથતિ રિપોર્ટને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના સંબંિધત પ્રતિ 1 લાખ વ્યક્તિએ મૃત્યુદર બ્રિટનમાં 63.13, સ્પેનમાં 60.60, ઈટાલીમાં 57.19, અમેરિકામાં 36.30, જર્મનીમાં 27.32, બ્રાઝિલમાં 23.68 અને રશિયામાં 5.62 છે. જ્યારે પ્રતિ એક લાખ વ્યક્તિએ ભારતમાં એક જ દર્દીનું મોત થાય છે.
એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, હાલ અમે કોરોનાનો મૃત્યુદર નીચો રાખવા કામ કરી રહ્યા છીએ. કોરોનાના સંદર્ભમાં કેટલા કેસ થયા છે તે મહત્વનું નથી. આપણો મૃત્યુદર નીચો રહે તે વધુ જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેશની વસતીને ધ્યાનમાં રાખતાં કોરોનાના કેસનું પ્રમાણ એકંદરે ઓછું છે. જેની સરખામણીમાં જે દેશોમાં વસતી ઓછી છે ત્યાં કેસનું પ્રમાણ ઘણું ઊંચું છે.
આપણે શરૂઆતથી જ વહેલા નિદાન, કોવિડ-19 સંબંિધત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા, જિલ્લા સ્તરે પણ ઓક્સિજન સહાયની સુવિધાની ઉપલબૃધતા ઊભી કરવા અને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ્સના અસરકારક અમલ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ 22મી જૂન સુધીમાં કુલ 71,37,716 સેમ્પલ્સના પરીક્ષણ કરાયા છે, જ્યારે સોમવારે એક જ દિવસમાં 1,87,223 સેમ્પલ્સના પરિક્ષણ થયા હતા.
દરમિયાન તમિલનાડુ પરથી પ્રેરણા લઈને કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બેંગ્લુરૂમાં કોરોનાના કેસમાં વધારો ચાલુ રહેશે તો નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી સરકાર શહેરમાં ફરીથી લૉકડાઉનનો અમલ કરી શકે છે. બેંગ્લુરૂમાં સોમવારે સાંજ સુધીમાં 1,398 કેસ નોંધાયા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, બેંગ્લુરૂ વધુ એક બ્રાઝિલ બની રહ્યું છે. તેમણે શહેરમાં 20 દિવસના લૉકડાઉનની ભલામણ કરી હતી.