Getty Images)

કોરોના વાઇરસની મહામારીના કારણે ચાલુ વર્ષે ભારતમાંથી કોઇ પણ વ્યક્તિને હજ માટે મોકલતા નહીં એવો સંદેશો મળતા ભારત સરકારે હજ 2020 માટે એક પણ મુસ્લિમને સાઉદી એરેબિયા નહીં મોકલવા નિર્ણય કર્યો હતો, એમ લઘુમતી બાબતોના મંત્રી મુખતાર અબ્બાસ નકવીએ કહ્યું હતું. સાઉદી એરેબિયાના હજ અને ઉમરાહના મંત્રી મોહમ્મદ સાલેહ બિન તાહીરે ગઇ કાલે રાત્રે ભારતમાંથી કોઇને હજ માટે નહીં મોકલવા સુચન કર્યા પછી આ નિર્ણય લેવાયો હતો, એમ તેમણે પત્રકારોને કહ્યું હતું.

સાઉદી એરેબિયાએ સોમવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીને નિયંત્રણ કરવાના ઉદદેશ સાથે આંતરરાષ્ટ્રી મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકતા તેઓ હજ માટે આવી શકશે નહીં.નકવી એ કહ્યું હતું કે ચાલુ વર્ષે હજ માટે 213000 અરજીઓ આવી હતી. પરંતુ હવે હજ 2020 રદ થતાં તમામને કોઇ પણ જાતની કપાત વગર પૈસા પાછા આપી દેવાશે.તમામની રકમને ઓનલાઇન બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

તેમણે કહ્યું હતું કે દેશની આઝાદી પછી પહેલી જ વાક એવું બનશે કે કોઇ મહામારીના કારણે હજને રદ કરવી પડી હોય. 2300 કરતાં વધુ મહિલાઓએ મેહરમ વગર હજ કરવા માટે અરજી કરી હતી. તે તમામને 2021માં હજ માટે જવા દેવાશે. તેમને નવેસરથી અરજી કરવાની રહેશે નહીં. ઉપરાંત આવતા વર્ષે પણ મેહરમ વગર હજ માટે જવા ઇચ્છતી મહિલાઓને મંજૂરી અપાશે. દરમિયાન મોહમ્મદ સાલેહ બિન તાહીર કહ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ પઢવા આવે છે, પરંતુ આ વર્ષે માત્ર હજારોની સંખ્યામાં જ લોકો હજ પઢશે.