વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડથી વધુ થઇ ગઇ છે. તેમાંથી 54 લાખ 78 હજાર 719 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 5 લાખ 1 હજાર 719 લોકોના મોત થયા છે. બ્રિટનની સરકારે રવિવારે કહ્યું કે લોકલ લોકડાઉન લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. બ્રિટનમાં સંક્રમણના કેસ ફરી વધી ગયા છે. નવા આંકડાઓથી માહિતી મળે છે કે સૌથી વધારે ભારતીય મૂળના લોકો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે સૌથી પહેલા લેસ્ટર સિટીમાં લોકડાઉન લગાવવામા આવશે. પૂર્વ ઇંગ્લેન્ડના આ શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા બે લાખથી વધુ થઇ ગઇ છે.
તે હવે 12મો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની ગયો છે. કોલંબિયામાં દર્દીઓની સંખ્યા ચીન કરતા વધી ગઇ છે. અહીં 88 હજાર 591 કેસ નોંધાયા છે. સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમેરિકામાં 24 કલાકમાં 40 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં દર્દીઓની સંખ્યા 25 લાખથી વધુ થઇ ગઇ છે જ્યારે 1.28 લાખ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં 13 લાખ કેસ નોંધાયા છે જ્યારે 57 હજાર લોકોના મોત થયા છે. ચીનમાં શનિવારે કોરોનાવાયરના 17 નવા કેસ નોંધાયા છે. સાત એવા દર્દીઓ સામે આવ્યા છે જેમાં કોઇ પ્રાથમિક લક્ષણો દેખાતા નથી. નેશનલ હેલ્થક કમિશને જણાવ્યું કે 24 કલાકમાં 7 દર્દી સ્વસ્થ થયા હતા.
17 સંક્રમિતોમાંથી 14 સ્થાનિક હતા. તેમાંથી મોટાભાગના બેજિંગના હતા. અત્યારે ચીનમાં સંક્રમિતોની સંખ્યા 83 હજાર 500 થઇ ચૂકી છે જ્યારે મોતનો આંકડો 4634 છે. દેશમાં અત્યારસુધી 78 હજાર 451 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર નેપાળમાં સંક્રમણના કેસ 12 હજાર થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા જોગેશ્વર ગૌતમે કહ્યું કે દેશના દરેક 77 જિલ્લા કોરોના પ્રભાવિત છે. શનિવારે સરકારે 554 નવા કેસની ખાતરી કરી હતી. મોતનો આંકડો 27 છે. નેપાળમાં મે મહિનાથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બ્રાઝીલમાં 24 કલાકમાં કોરોનાવાયરસના લીધે 1109 લોકોના મોત થયા છે.
અહીં મોતનો આંકડો 57,070 થઇ ગયો છે. એક દિવસમાં સંક્રમણના 38693 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા 13 લાખ 13 હજાર 667 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યારસુધી 7 લાખ 15 હજાર લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. બ્રાઝીલના સાઓ પાઉલો શહેરના મેયરે જાહેરાત કરી છે કે રેસ્તરાં, બાર, પબ અને સલૂન ખોલવાની યોજના મુલતવી રાખવામાં આવી શકે છે. દ. કોરિયામાં 24 કલાકમાં 62 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 12715 થઇ ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે રાજધાની સિયોલમાં 14 અને ગ્યેઓંગ્ગી પ્રાંતમાં 17 કેસ નોંધાયા છે. દ. કોરિયામાં કોરોનાના લીધે 280 લોકોના મોત થયા છે જ્યારે 11364 લોકો સ્વસ્થ થયા છે. ઇઝરાયેલમાં બે એપ્રિલ બાદ કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. એક દિવસમાં 621 નવા કેસ નોંધાયા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 23421 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. ઇઝરાયેલમાં કુલ 317 લોકોના મોત થયા છે. ગંભીર દર્દીઓની સંખ્યા 46થી ઘટીને 41 થઇ ગઇ છે. અત્યારસુધી 17,002 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે.