લોકો દ્વારા કરાતા ખર્ચમાં થયેલો વધારો જોતા બેન્ક ઑફ ઇંગ્લેન્ડને લાગે છે કે કોવિડ-19નો આર્થિક આઘાત અપેક્ષા કરતા ઓછો તીવ્ર હશે. બેન્કે વ્યાજનો દર યથાવત રાખ્યો હતો. પરંતુ તેની સામે બેરોજગારી બમણી થશે અને જીડીપી નોંધપાત્ર રીતે ઘટશે તેમજ પહેલાની સ્થિતી પર આવતા લાંબો સમય લાગશે એ પણ ચોક્કસ છે. બેંકનો તાજેતરનો અંદાજ બ્રિટનને 1921 પછીની સૌથી ખરાબ મંદીના પાટે લઇ જતો દર્શાવે છે.
લંડનની થ્રેડનીડલ સ્ટ્રીટ ખાતે આવેલી બેન્કના નવ સભ્યોની નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી) એ વ્યાજના દર 0.1%ની નીચી સપાટી પર રાખવા માટે સર્વાનુમતે મત આપ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે વર્ષના પ્રથમ ભાગમાં બ્રિટનની અર્થવ્યવસ્થા પાંચમા ભાગ જેટલી ઘટશે. દેશભરમાં નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા વર્ષના અંત સુધીમાં બમણી એટલે કે 2.5 મિલિયન જેટલી થઈ જશે.
તેમ છતાં બેંકના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ બ્રિટનની આર્થિક વૃધ્ધિ વધુ ઉત્તેજીત કરવા માટે વ્યાજનો દર શૂન્યથી પણ નીચે લઇ જવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. બેંકે જણાવ્યું હતું કે બ્રિટનની અર્થવ્યવસ્થાનેરોગચાળાપૂર્વની મૂળ સ્થિતી પર આવતા 2021ના અંત સુધીનો સમય લાગશે અને 2023 સુધી જીડીપી રોગચાળા પૂર્વેના સ્તર કરતા 1.5% ની નીચે રહેશે અને બ્રિટનની અર્થવ્યવસ્થામાં 2020માં 9.5%નો ઘટાડો નોંધાશે.