બરાબર ૪૯૨ વર્ષ બાદ અયોધ્યામાં નવો ઇતિહાસ લખાયો છે. સને ૧૫૨૮માં રામ મંદિરને તોડી બાબરી મસ્જિદ ઉભી કરી દેવામાં આવી હતી. આઝાદી બાદ લાંબા સમય સુધી કેસ ચાલ્યો. ૯ મહિના પહેલા સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવ્યો. વિવાદિત જમીન રામલલ્લાની થઇ અને બુધવાર 5 ઓગસ્ટ, 2020ના રોજ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનો શિલાન્યાસ થયો હતો. આ મંદિરના ભૂમિ પૂજન માટે સમગ્ર દેશમાંથી નદીઓના પાણી અને માટી અયોધ્યા પહોંચાડવામાં આવી હતી. ભૂમિ પૂજન બાદ અયોધ્યા સિવાય પણ દેશના અનેક સ્થળોએ આવેલા મંદિરોમાં દિવા પ્રગટાવવામાં આવ્યા તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યાં હતાં.
દેશ-વિદેશના કરોડો શ્રદ્ઘાળુઓની જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતાં તે ઐતિહાસિક અને મંગળ ઘડી આખરે આવી પહોંચી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો દ્વારા પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને પ્રભુ શ્રીરામનું નામ લખેલી ચાંદીની ઇંટ મુકી રામ મંદિરના નિર્માણનો વિધિવત પ્રારંભ કરાવ્યો.
કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને અહીંના આ સમારોહમાં ધાર્મિક નેતાઓ સહિત મર્યાદિત સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહેમાનોની સંખ્યા માત્ર ૧૭૫ રાખવામાં આવી હતી. પુરોહિતના સંસ્કૃતના શ્ર્લોકો વચ્ચે ભવ્ય મંડપ હેઠળ શિલાન્યાસની વિધિ યોજાઈ હતી. મોદી અને બીજા મહેમાનો તેમ જ અન્ય પૂજારીઓની ઉપસ્થિતિમાં વિધિ સરળ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ વિધિમાં હાજરે દરેક વ્યક્તિએ માસ્ક પહેર્યું હતું અને એકમેક વચ્ચે અંતર રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું હતું.
વિધિ પૂર્ણ થતાં જ શંખના નાદ વચ્ચે ‘ભારત માતા કી જય’, ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવવામાં આવ્યા હતા અને વડા પ્રધાને ૪૦ કિલોની શિલાની સ્થાપના કરી હતી. એ સાથે, ‘શ્રી રામજન્મભૂમિ મંદિર’ના નિર્માણ કાર્યની ભૂમિપૂજનની વિધિ પૂરી થઈ હતી.એ પહેલાં, વડા પ્રધાન મોદીએ હનુમાન ગઢી મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિ ખાતે આરતી કરી હતી અને પછી રામ લલ્લાની મૂર્તિની પૂજા-અર્ચના કર્યા બાદ સાષ્ટાંગ દંડવત્ કરીને શ્રી રામના આશીર્વાદ લીધા હતા. તેમણે પારિજાતના છોડનું રોપણ કર્યું હતું. તેમણે રામમંદિરના શિલાન્યાસ સંબંધિત તક્તીનું અનાવરણ કર્યું હતું તેમ જ આ શાનદાર અને ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
મોદીએ રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે મને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સરયુના કિનારે સ્વર્ણિમ ઇતિહાસ રચાયો છે. રામ મંદિર માટે સ્વતંત્રતા આંદોલનની જેમ જ રામ મંદિર માટે આંદોલન કરવામાં આવ્યું. આજનો દિવસ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતિક છે. શિલાન્યાસ થતાં સમગ્ર ભારત આજે રામમય બન્યું છે. દરેક ભારતવાસી આજે રોમાંચિત અને ઉત્સાહિત છે. મોદીએ વધુમાં કહ્યું કે, અસ્તિત્વ મટાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ભગવાન રામ આજે આપણા મનમાં વસેલા છે અને રામ મંદિર રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે આ સાથે આગામી પેઢી માટે આસ્થા, સંકલ્પ અને શ્રદ્ઘાની પ્રેરણાનો સ્ત્રોત બનશે. મંદિર બન્યા બાદ સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.
કોરોનાના કારણે અનેક મર્યાદાઓ વચ્ચે ભૂમિપૂજન થયું છે. આજનો દિવસ અસત્ય પર સત્યના વિજયનો પ્રતીકરૂપ છે. રામ જન્મ ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી ઉપરાંત સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ સામેલ થયા હતાં. જોકે રામ મ ંદિર માટે આંદોલન ચલાવનારા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતાં. કોરોના મહામારીને કારણે તેમણે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા જ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તદુપરાંત દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ કોરોનાને કારણે અયોધ્યા પહોંચી શક્યા ન હતાં.
ભૂમિપૂજનમાં કુલ ૯ શિલાઓનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. પીએમ મોદીના હસ્તે સૌપ્રથમ મુખ્ય કુર્મશિલાનું પૂજન કરવામાં આવ્યું. મુખ્ય શિલા પૂજનના સંકલ્પ બાદ અષ્ટ ઉપશિલાની પૂજન વિધિ યોજાઇ. આ ઉપરાંત ભગવાન રામના કુળદેવી કાળી માતાની પણ પૂજા કરવામાં આવી. અત્રે નોંંધનીય છે કે મંદિર આંદોલન લાલકૃષ્ણ અડવાણીએ ચલાવ્યું હતું પરંતુ વડાપ્રધાન હોવાને નાતે મંદિર નિર્માણનો પાયો રાખવાનો મોકો વડાપ્રધાનને મળ્યો. દિવસ પણ મહત્વપૂર્ણ છે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ની કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી હતી. ૫ ઓગસ્ટ ૨૦૨૦ને મંદિર નિર્માણનો પ્રારંભ કર્યો છે. બન્ને ભાજપના વચન હતાં.