અમેરિકામાં આ વખતની પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારોનું મહત્ત્વ વધી રહ્યું છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જો બિડેન માટે સમર્થન મેળવવા નવું ‘હિન્દુ અમેરિકન ફોર બિડેન’ કેમ્પેઇન શરૂ કરાયો છે. આ કેમ્પેઇન હેઠળ ભારતીય અમેરિકન લોકોને ડેમોક્રેટ્સને મત આપવા માટે મનાવવામાં આવશે.

ઇલિનોયથી ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ આ અભિયાનની શરૂઆત ગુરુવારથી કરશે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે ગત સપ્તાહે આ પ્રકારનું કેમ્પેઇન લોંચ કર્યું હતું, જેમાં હિન્દુ મતદારોને આકર્ષવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાઇસ પ્રેસિડેન્ટપદ માટે કમલા હેરિસ ડેમોક્રેટ્સના ઉમેદવાર છે ત્યારે ભારતીય મતદારોનું વલણ ડેમોક્રેટ્સ તરફી હોઇ શકે છે, પરંતુ તેના કારણે બંને પક્ષ વચ્ચે રસપ્રદ રાજકીય જંગ જામશે. આ કારણે જ બંને પક્ષો પ્રથમવાર ખુલ્લેઆમ આ રીતે હિન્દુ મતદારોનું સમર્થન માગી રહ્યા છે.

ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેને પ્રણવ મુખરજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને થોડા દિવસો પહેલા તહેવારની શુભેચ્છા પણ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અંદાજે 20 લાખ ભારતીય મૂળના મતદારો છે એટલે તેમનું વિશેષ મહત્ત્વ છે. બિડેનની ટીમના સભ્યોનું કહેવું છે કે, આ કેમ્પેઇન દ્વારા અમે અમેરિકામાં વધતી ગુનાખોરી અંગે ચર્ચા કરીશું અને સાથે હિન્દુઓ પર જે રીતે હુમલા થઇ રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું. અમેરિકામાં બ્લેક અમેરિકન્સની સાથે સાથે બહારના લોકો ઉપર પણ હુમલા વધ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં હિંસા વધી રહી છે અને ચૂંટણી માટે આ એક મહત્ત્વનો મુદ્દો બની ચૂક્યો છે.