ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે બુધવારે શરતી જામીન આપ્યા હતા. પરંતુ રિયાના ભાઈ શોવિકની જામીન અરજી ફગાવી દેવાઈ હતી. ડ્રગ પેડલર બાસિત પરિહારના જામીન પણ કોર્ટે ફુગાવી દીધા હતા. છેલ્લાં 30 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ગઈ કાલે, 6 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી.
જામીનની શરતો મુજબ રિયાએ એક લાખ રૂપિયા અને પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. રિયાએ મુંબઈ બહાર જવા માટે મંજૂરી લેવી પડશે અને જ્યારે પણ પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવું પડશે. 11 સપ્ટેમ્બરે સ્પેશ્યલ NDPS કોર્ટે આ પાંચેયની જામીન અરજીને ફગાવી દીધી હતી. જે બાદ તમામને બોમ્બે હાઈકોર્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા. 29 સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટે તમામની જામીન પર અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો. રિયાને એનસીબીએ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. રિયા અને તેના ભાઈની કેટલાક ડ્રગ્સ પેડલર સાથે ચેટ પણ સામે આવી હતી.
વીડિયો કોન્ફરન્સથી બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને તેના ભાઈ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંતની જામીન અરજી ઉપર સુનાવણી કરવામાં આવી હતી. આ પહેલા સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિકની 20 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી. જેમાં રિયાને જામીન મળ્યા છે.