ભારતમાં કોરોનાના કેસનો આંક 70 લાખને વટાવી ગયો છે, જ્યારે અત્યાર સુધી આશરે 60 લાખ લોકો કોરોનામુક્ત બન્યા છે. કોરોનાના કેસની સંખ્યા 60 લાખે પહોંચ્યાના માત્ર 13 દિવસમાં 70 લાખનો આંક થયો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 86.17 ટકા છે.
આરોગ્ય મંત્રાલયના રવિવારના સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસા છેલ્લાં 24 કલાકમાં 74,383 નવા કેસ સાથે કુલ સંખ્યા વધીને 70,53,806 થઈ છે. આની સાથે કોરોનાનો મૃત્યુઆંક વધીને 1.08 લાખ થયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 918 વ્યક્તિના મોત થયા હતા.ભારતના કોરોના કેસ 21 દિવસમાંથી 10 લાખથી વધીને 20 લાખ થયા હતા. આ પછી 16 દિવસમાં કોરોના કેસની સંખ્યા 30 લાખને અને બીજા 13 દિવસમાં 40 લાખને વટાવી ગઈ હતી. માત્ર 11 દિવસમાં કેસની સંખ્યા 40 લાખથી વધીને 50 લાખ થઈ હતી. પોઝિટિવ બાબત એ છે કે દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 9 લાખથી નીચે રહી હતી. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 8.67 લાખ છે, જે કુલ કેસના 12.30 ટકા છે.