પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ખાસ માહિતી અને પ્રસારણ સહાયક લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) અસિમ બાજવાએ પોતાના પર ભ્રષ્ટાચારના આરોપો મુકાયા પછી સોમવારે (12 ઓક્ટોબર) પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ પ્રવક્તા બાજવાએ જણાવ્યું હતું કે, ‘મેં વડાપ્રધાનને માહિતી અને પ્રસારણ માટે તેમના ખાસ સહાયક તરીકેના વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મારો અનુરોધ સ્વીકાર્યો છે.’ ડોન અખબારના જણાવ્યા અનુસાર, જોકે, તેઓ, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઓથોરિટીના ચેરમેનપદે યથાવત રહેશે. તેઓ સેનાના સાઉથ કમાન્ડના પણ કમાન્ડર હતા.
બાજવાએ વડાપ્રધાનને એક મહિનાથી વધુ સમય પહેલા પોતાનું રાજીનામુ આપી દીધું હતું, પરંતુ ત્યારે તેમનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું નહોતું તેમને ખાસ સહાયક પદ જાળવી રાખવા જણાવ્યું હતું. એક વેબસાઇટના રીપોર્ટ મુજબ વિદેશોમાં પોતાની પત્ની, પુત્રો અને ભાઇઓનો બિઝનેસ સ્થાપિત કરવા માટે તેમણે પદનો દુરુપયોગ કર્યો હતો. આ રીપોર્ટ મુજબ બાજવાના નાના ભાઇઓએ 2002માં પોતાનું પ્રથમ પાપાઝ પિત્ઝા રેસ્ટોરાં શરૂ કર્યું હતું. તે વર્ષે જ બાજવાએ જનરલ મુશર્રફના કાર્યકાળમાં લેફ્ટેનન્ટ જનરલની જેમ કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પિત્ઝા રેસ્ટોરાં ફ્રેન્ચાઇઝી માટે ડિલીવરી ડ્રાઇવર તરીકે કામ શરૂ કરનાર તેમના ભાઇ નદીમ બાજવા (53) અને અન્ય ત્રણ ભાઇઓ, પત્ની ફાર્રુખ ઝેબા અને ત્રણ પુત્રોના બિઝનેસનું મોટું સામ્રાજ્ય છે. ચાર દેશોમાં તેમની 99 કંપનીઓ છે, તેમાં 39.9 મિલિયન ડોલરની 133 રેસ્ટોરાંની પિત્ઝા ફ્રેન્ચાઇઝી પણ છે.