પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસ મહામારી દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તમામ દેશોને તેમની કાર્યવાહી બાબતે જાગૃત્ત કરી રહ્યું છે. હવે WHOના પ્રેસિડેન્ટે આ મહામારીને રોકવા માટે હર્ડ ઇમ્યુનિટીની રણનીતિ બાબતે પ્રશ્નો કર્યા છે. WHOએ હર્ડ ઇમ્યુનિટી માટે કોરોના વાઇરસ ફેલાવાનું સમર્થન કરનારાઓને ચેતવણી આપી છે, તેને અનૈતિક જણાવ્યું છે.

WHOના પ્રેસિડેન્ટ ટેડ્રોસ અધાનોમે સોમવારે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘હર્ડ ઇમ્યુનિટી એક કન્સેપ્ટ છે, તેનો ઉપયોગ રસી માટે થાય છે. જેમાં રસી એક હદ સુધી પહોંચ્યા પછી જ કોઇપણ વાઇરસથી લોકોને બચાવી શકાય છે.’

આ બાબત સમજાવવા તેમણે ઓરીની બીમારીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘જો, કુલ વસ્તીના 95 ટકા લોકોને રસી આપવામાં આવે તો પાંચ ટકા લોકોને હર્ડ ઇમ્યુનિટી દ્વારા વાઇરસથી બચાવી શકાય છે.’ તેમણે જણાવ્યું કે, પોલિયોમાં તેની સીમા રેખા અંદાજે 80 ટકા છે. WHOના પ્રેસિડેન્ડે જણાવ્યું હતું કે, ‘હર્ડ ઇમ્યુનિટી લોકોને વાઇરસથી બચાવવા માટે મેળવવામાં આવે છે, નહીં કે તેને ખુલ્લી પાડવા કે જોખમમાં મુકવા માટે.

મહામારીથી છૂટકારો મેળવવા માટે જાહેર આરોગ્યના ઇતિહાસમાં ક્યારેય હર્ડ ઇમ્યુનિટીનો એક રણનીતિની જેમ ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેને વૈજ્ઞાનિક અને નૈતિક રીતે રણનીતિ કહેવું યોગ્ય નથી. જે ખતરનાક વાઇરસ અંગે આપણને સંપૂર્ણ માહિતી નથી, તેને આવી રીતે ફેલાવવા માટે મુક્ત કરવો અનૈતિક બાબત છે. મહામારીથી બચવા માટે આ કોઇ વિકલ્પ નથી.’

તેમણે જણાવ્યું હતું કે, એવું અનુમાન છે કે, મોટાભાગના દેશોમાં 10 ટકાથી ઓછી વસ્તીને એવું લાગે છે કે, તેઓ વાઇરસના સંપર્કમાં આવ્યા હતા. ઘણા દેશોમાં મોટાભાગના લોકો વાઇરસ બાબતે સવંદેનશીલ નથી.