લવ જેહાદ સામે ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે એક વટહુકમને મંજૂરી આપી હતી.. આ સાથે મધ્ય પ્રદેશ અને હરિયાણા બાદ ઉત્તર પ્રદેશ લવ જેહાદને અટકાવવા માટે કાયદો ઘડનારૂં ત્રીજું રાજ્ય બન્યું છે.
લખનૌમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના પ્રધાન સિધ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, બળજબરીથી થતાં ધર્માન્તરણ બદલ એક થી પાંચ વર્ષની જેલની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સગીર અને એસસી-એસટી કોમ્યુનિટીની મહિલાઓના ગેરકાયદે ધર્માન્તરણ બદલ ત્રણ થી 10 વર્ષની જેલ અને રૂપિયા 25 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે લવ જેહાદની સામે પ્રસ્તાવિત મુસદ્દાને તૈયાર કરાવી લીધો હતો અને તેને પરિક્ષણ માટે સંબંધિત વિભાગને મોકલી આપ્યો હતો. અલબત્ત, જે મુસદ્દો તૈયાર કરવામા આવ્યો હતો તેમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી. આ વટહુકમને ગેરકાયદે ધર્માન્તરણ વિરોધી બિલ કહેવામાં આવી રહ્યું છે. યુપી કાનૂન આયોગના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલે પણ કહ્યું કે, બે અલગ-અલગ ધર્મના સ્ત્રી-પુરૂષ લગ્ન કરી શકે છે, પણ નવો વટહુકમ ગેરકાયદે ધર્માન્તરણ માટેનો છે.
સિધ્ધાર્થનાથ સિંહે ઊમેર્યું કે, જો મોટી સંખ્યામાં ગેરકાયદે-બળજબરી ધર્મપરિવર્તન કરાવવાના મામલે ત્રણથી 10 વર્ષની જેલ અને રૂપિયા પચાસ હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિએ અન્ય ધર્મનો અંગીકાર કર્યા બાદ લગ્ન કરવા હોય તો લગ્નના બે મહિના પૂર્વે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.