પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બળાત્કારના દોષિતોને રાસાયણિક રીતે નપુંસક કરી દેવાના કાયદાને મંગળવારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

જિયો ટીવીના અહેવાલ અનુસાર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં કાયદા મંત્રાલયે એન્ટી રેપ ઓર્ડિનન્સનો મુસદ્દો રજૂ કર્યો હતો. જોકે આ નવા કાયદા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભારતમાં બળાત્કારીને ફાંસીની સજા કરવામાં આવે છે. દુનિયાના બીજા કેટલાક દેશો એવા છે ત્યાં બળાત્કારીને જાહેરમાં ગોળીબાર દ્વારા ઊડાવી દેવાની સજા કરવામાં આવે છે. નોર્થ કોરિયામાં આ રીતે જાહેરમાં બળાત્કારીને શૂટ કરી દેવામાં આવે છે. સાઉદી અરેબિયામાં ઇસ્લામનો શરિયતનો કાયદો છે. ત્યાં બળાત્કારીને મોતની સજા કરવા ઉપરાંત એની જનનેન્દ્રીય કાપી નાખવાની સજા પણ કરવામાં આવે છે. સાઉદી અરેબિયામાં મોટા ભાગના ગુના માટે મોતની સજા કરવામાં આવે છે. માત્ર સજાના અમલનો પ્રકાર બદલાય છે. ચીનમાં બળાત્કારના દોષિતને લાંબી કાનૂની કાર્યવાહી ટાળીને ત્વરિત મોતની સજા કરી દેવામાં આવે છે. જો કે એમાં ઘણા નિર્દોષ લોકો પણ દંડાઇ જાય છે. ઇસ્લામી દેશ ઇરાકમાં બળાત્કારના આરોપીને જાહેરમાં પથ્થરો મારીને મોતની સજા કરવાની પરંપરા છે. ઇન્ડોનેશિયામાં બલાત્કારના આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે.