અમેરિકન સેનેટમાં રોજગાર આધારિત ઈમિગ્રન્ટ વિઝા માટે દેશ માટેની મર્યાદા દૂર કરતું એક બિલ સર્વાનુમતે પાસ થઈ ગયું છે. વધુમાં આ બિલ મારફત પરિવાર આધારિત વિઝા માટેની મર્યાદા પણ વધારવામાં આવી છે. આ બિલથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષોથી રાહ જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ લાભ થશે. અમેરિકન સેનેટમાં બુધવારે ફેરનેસ ફોર હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રન્ટ્સ એક્ટ બિલ પાસ થઈ ગયું હતું. પરિણામે એચ-1બી વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરતાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને દાયકાઓથી ગ્રીન કાર્ડ માટે રાહ જોતા ભારતીયોને મોટી રાહત મળશે.
આ બિલ મૂળભૂત રીતે યુએસ રિપ્રેઝન્ટેટીવ હાઉસમાં 10મી જુલાઈ 2019ના રોજ 365 વિ. 65 મતોથી પસાર થઈ ગયું હતું. આ બિલ હેઠળ પ્રત્યેક દેશ માટેની પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા મર્યાદા સાત ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી હતી. હવે સેનેટમાં યુટાહના રિપબ્લિકન સેનેટર માઈક લી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટેની સાત ટકાની મર્યાદા દૂર કરવામાં આવતાં અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સનું જંગી બેકલોગ દૂર થશે. વિઝા માટે પ્રત્યેક દેશ પરની મર્યાદાને કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સનો કાયદાકીય દરજ્જા પર સતત જોખમ સર્જાતું હતું.
નાણાકીય વર્ષ 2019માં 9,008 ભારતીયોએ કેટેગરી 1 (ઈબી1), 2,908 ભારતીયોએ કેટેગરી 2 (ઈબી2) અને 5,083 ભારતીયોએ કેટેગરી 3 (ઈબી3) હેઠળ ગ્રીન કાર્ડ મેળવ્યા હતા. ઈબી 1-3 રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સની અલગ અલગ કેટેગરી છે. જુલાઈમાં સેનેટર લીએ સેનેટને જણાવ્યું હતું કે, ભારતીયો માટેની ગ્રીન કાર્ડ અરજીઓના નિકાલમાં 195 વર્ષ કરતાં વધુ સમય લાગે તેટલો બેકલોગ છે. સેનેટે બુધવારે ખૂબ જ ઝડપથી આ બિલ સર્વાનુમતે પસાર કરી દીધું હતું. હાલમાં અમેરિકામાં 10 લાખથી વધુ વિદેશી નાગરિકો અને તેમના પરિવારના સભ્યો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. ફેરનેસ ફોર હાઈ-સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ એક્ટ મેરિટ આધારિત સિસ્ટમ ઊભી કરે છે અને તેમાં હાઈ-સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સને અગ્રતા આપવામાં આવી છે તેમ સેનેટર કેવિન ક્રેનમેરે જણાવ્યું હતું.
સેનેટર માઈક લીએ જણાવ્યું હતું કે, ગ્રીન કાર્ડ્સ માટે દેશ પરની મર્યાદાને કારણે મેરિટ આધારિત અરજદારો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. જેમ કે, ભારતમાંથી કોઈ વ્યક્તિ ગ્રીન કાર્ડ માટે અરજી કરે તો તેની અરજી ધ્યાનમાં લેવાય તે માટે તેણે લગભગ 200 વર્ષ સુધી રાહ જોવી પડે.