ભારત સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટરની બહાર ગુરુવારે જોરદાર દેખાવો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ કાઢવા માગતા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. કોગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરા અને પક્ષના સાંસદોએ ઓફિસની બહાર ધરણા કર્યા હતા અને દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી.
કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમા અકબર રોડ ખાતેના પક્ષના કાર્યાલયથી રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ માર્ચ કાઢવાની યોજના બનાવી હતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને એક આવેદનપત્ર આપવા માગતા હતા. જોકે દિલ્હી પોલીસે કલમ 144 લગાવી દીધી હતી.
આ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિને મળ્યા હતા અને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની માગણી કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું હતું કે આ કાયદા ખેડૂત વિરોધી છે તથા ખેડૂતો અને મજૂરોએ તેનાથી સહન કરવું પડશે. આ કાયદા પાછા ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતો પાછા જશે નહીં. સરકારે સંસદનું સંયુક્ત અધિવેશન બોલાવવું જોઇએ અને આ કાયદાને નાબૂદ કરવા જોઇએ.
અગાઉ પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને રાષ્ટ્ર વિરોધી કહેવાનું સરકારે પાપ કર્યું છે. જો સરકાર ખેડૂતોના આંદોલનને રાજદ્વોહ માનતી હોય તો તે પાપ છે.