વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી હતી કે પ્રથમ રાઉન્ડમાં આશરે ત્રણ કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે કોરોના વેક્સિનનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. આગામી થોડા મહિનામાં આશરે 30 કરોડ નાગરિકોને વેક્સિન મળશે. રસીકરણના પ્રથમ તબક્કામાં જાહેર પ્રતિનિધિઓએ વેક્સિન માટે કુદી પડવું જોઇએ નહીં.
કોરોના વેક્સિનેશન અંગે રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરતાં મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં આગામી થોડા મહિનામાં આશરે 30 કરોડ નાગરિકોને વેક્સિન મળશે. આની સામે આશરે એક મહિનામાં 50 જેટલા દેશોમાં માત્ર 2.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ભારતે બે વેક્સિનને મંજૂરી આપી છે અને બંને સસ્તી છે. આ વેક્સિનની દેશની જરૂરિયાત મુજબની છે. બીજી ચાર વેક્સિન ડેવલપ કરવાની કામગીરી ચાલે છે.
મોદીએ જણાવ્યું હતું કે રસીકરણ સાથે કોરોના મહામારી સામેની ભારતની લડાઈ નિર્ણાયક તબક્કામાં પ્રવેશશે. રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં વધુ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.
ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને પૂરતા ડેટા વગર મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપનો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું હતું કે વિજ્ઞાનીઓએ અસરકારક વેક્સિન આપવા માટે તમામ સાવચેતી રાખી છે. આ મુદ્દે વિજ્ઞાનીનો અભિપ્રાય સર્વોચ્ચ રહ્યો છે.